સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

મોરબીમાં પાણી આપોના પોકાર સાથે મહિલાઓનું હલ્લાબોલ : પાલિકા પ્રમુખને ઘેરાવ

મોરબી, તા. ર૦ : નગરપાલિકા તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે અને છાશવારે પાણીના પ્રશ્ને મહિલાઓના મોરચા જોવા મળતા રહે છે ત્યારે વિવિધ સોસાયટીની મહિલાઓએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો અને પાલિકા પ્રમુખને ઘેરાવ કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો.

મોરબીની અવધ-૪ સોસાયટીના રહેવાસી મહિલાઓને પીવાના પાણીની સમસ્યા હોય જેથી  મહિલાઓનું ટોળુ પાલિકા કચેરી દોડી ગયું હતું અને માટલા ફોડી વિરોધ દર્શાવયો હતો તેમજ પાલિકા કચેરીએ પ્રમુખ કે ચીફ ઓફીસરના મળતા ટોળાએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો અને બાદમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા કચેરીએ પહોંચતા તેનો ઘેરાવ કરી પ્રમુખની ચેમ્બરમાં જતા રોકયા હતા જેને પગલે થોડીવાર માટે માહોલ તંગ બન્યો હતો પાણી અંગે મહિલાઓની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા પ્રમુખ યોગ્ય કરવાની ખાતરી આપી હતી જયારે બે દિવસ પૂર્વે રજૂઆત કરનાર શ્રીજી સોસાયટીની મહિલાઓનું ટોળુ ફરીથી કચેરી પહોંચ્યું હતું અને હલ્લાબોલ કર્યો હતો.

અવધ સોસાયટીની મહિલાઓના હલ્લાબોલ સાથે શ્રીજી સોસાયટીની મહિલાઓએ પણ મોરચો માંડયો હતો. શ્રીજી સોસાયટીની મહિલાઓએ બે દિવસ પૂર્વે કરેલી રજૂઆતને પગલે ખાતરી મળી હતી. જોકે હંમેશની જેમ ખાતરીનું ગાજર ચવાઇ જતા શ્રીજી સોસાયટીની મહિલાઓએ ફરી મોરચો માંડયો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો.

અવધ સોસાયટીની મહિલાઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નાની કેનાલ રોડ રાજનગર રોડ પરના વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં બાંધકામ ચાલી રહ્યાં હોય જે ડાયરેકટ લાઇનમાંથી વપરાશ કરે છે જેથી પાણી પહોંચતું ના હોવાની લેખિત રજૂઆત કરી છે અને તપાસ કરી યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.

(11:42 am IST)