સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

લોધીકામાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ સંપન્ન

લોધીકા તા.૨૦ ઉ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત રાજય દ્વારા આયોજીત ખરીફ કૃષિ મહોત્સવ ૨૦૧૯ તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ લોધીકા ખાતે યોજાયેલ હતો.

કૃષિ મહોત્સવ નિમિતે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, મનસુખભાઇ સરધારા વગેરેની હાજરીમાં પ્રથમ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ. અતિથિ વિશેષ સહિતના મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય કાર્યક્રમની શરૂઆત થયેલ.

આ મહોત્સવમાં કૃષિ તજજ્ઞો ઘીંગાણી, કાતરીયા, વદર વગેરે દ્વારા આધુનીક ખેતી અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન તેમજ જરૂરીયાત મુજબ રસાયણીક ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ કરેલ તેમજ ખેતીને વ્યવસાય અભિગમ સાથે અપનાવવા કહ્યુ હતુ. પશુપાલન માટે અને વધુ દુધ ઉત્પાદન મેળવવા પશુ માવજત, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય વિશે માર્ગદર્શન આપેલ. બાદમાં તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજાએ રાજયમા સરકાર દ્વારા ૨૦૦૫ થી યોજાતા કૃષિ મહોત્સવ થકી ખેડૂતોને ખેતી વિષયક વૈજ્ઞાનિક સમજ, ખેતી માટે આધુનીક અભિગમ, ખેડૂત ઓછા ખર્ચે વૈજ્ઞાનીક ઢબે ખેતી કરી વધુ ઉત્પાદન મેળવે તેમજ ૨૦૨૨ સુધી દરેક ખેડૂતની આવક બમણી થાય તેવો હેતુ આ મહોત્સવ પાછળનો છે તેમ જણાવેલ.

લોધીકાના પ્રગતિશીલ કિશાન પ્રવિણભાઇ રૈયાણી, લાખાભા કોટડીયા, સુરેશભાઇ મોરડ, પ્રભાબેન રૈયાણી, રામજીભાઇ વૈષ્ણવ, હર્ષદભાઇ ખાપરા, કૈલાશબેન ભુવા વગેરે પ્રગતિશીલ ખેડૂતોને સન્માન પત્ર આપવામાં આવેલ.

આ કૃષિ મહોત્સવમાં નાયબ બગાયત નિયામક વઘાસીયા, વિસ્તરણ અધિકારી બી.વી.ઓતરીદી, એ.જે.ચોવટીયા, તાલુકા વિકાસ અધિકારી સોમપુરા, મામલતદાર પ્રજાપતી, તા.પં. સદસ્યો, સરપંચો સહિત વિશાળ સંખ્યામાં કિશાનો ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ ભાલાળા તથા આભારવિધિ ગ્રામ સેવક (ખેતી) ભવાનભાઇએ કરેલ હતી.

(11:41 am IST)