સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

ખંભાળીયા લગ્નમાં જતી વખતે તરઘડી પાસે ઇકો પલ્ટી ગઇઃ ગાંધીગ્રામ ધરમનગરનું દંપતિ ખંડિતઃ પત્નિનું મોત

સફાઇ કામદાર દિપકભાઇ પરમાર અને પત્નિ મંજુલાબેન પરમાર ભત્રીજીના લગ્નમાં જઇ રહ્યા હતાં ત્યારે બનાવઃ કારમાં બેઠેલા જામનગરના મુસાફર પ્રશીલ દુધાગરાને પણ ઇજા

રાજકોટ તા. ૨૦: પડધરીના તરઘડી નજીક ગત સાંજે ઇકો કાર પલ્ટી ખાઇ જતાં રાજકોટ ગાંધીગ્રામ ધરમનગરના વાલ્મિકી દંપતિ અને જામનગરના એક મુસાફરને ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વાલ્મિકી મહિલાએ દમ તોડી દેતાં દંપતિ ખંડિત થયું હતું. આ પતિ-પત્નિ જામખંભાળીયા ભત્રીજાના લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.

ધરમનગર આવાસ કવાર્ટર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રહેતાં અને સફાઇ કામ કરતાં દિપકભાઇ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૪૫) અને તેના પત્નિ મંજુલાબેન દિપકભાઇ પરમાર (ઉ.વ.૪૦) ખંભાળીયા મંજુલાબેનની ભત્રીજીના લગ્ન હોઇ તેમાં હાજરી આપવા માટે રાજકોટથી રવાના થયા હતાં. બંને માધાપર ચોકડી નજીકથી ઇકો કારમાં બેઠા હતાં. જેમાં બીજા મુસાફરો પણ હતાં. કાર તરઘડી નજીક પહોંચી ત્યારે એકાએક પલ્ટી મારી જતાં દિપકભાઇ, તેમના પત્નિ મંજુલાબેન અને જામનગરના પ્રશિલ રતિલાલ દૂધાગરા (ઉ.૨૪)ને ઇજાઓ થતાં ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ ગંભીર ઇજાગ્રસ્ત મંજુલાબેને સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મંજુલાબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

(12:34 pm IST)