સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

ગોંડલના વેપારીને ૧૧ ચેકો પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો હુકમ ફરમાવતી રાજકોટની અદાલત

રાજકોટ તા.ર૦: રાજકોટના અશ્વિન કોલ ડેપોમાંથી માલ ખરીદીને માલના બીલ પેટે આપેલ ચેકો પરત ફરતા ગોંડલના બલ્લામ કોલ ડેપોના માલિક મુકેશ જેન્તીભાઇ રોશનીયા સામેનો કેસ ચાલી જતા રાજકોટની અદાલતે વલ્લભ કોલ ડેપોના માલિક મુકેશભાઇ રોશનીયાનેબે વર્ષની જેલ સજા તથા ચેકની રકમ ૬૦ દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જો ફરિયાદીને ૬૦ દિવસમા  રકમ ન ચૂકવે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ રાજકોટના અશ્વિન કોલ ટ્રેડર્સ વાળા પાસેથી ગોંડલના વલ્લભ કોલ ડેપોના માલિકે જુદા-જુદા સમયે કોલ-કોકની ખરીદી કરી હતી અને આ ખરીદી પેટે ઘણી મોટી બાકી રકમો નીકળતી હતી. આ તમામ બાકી રકમોના જુદા-જુદા ૧૧ ચેકો ગોંડલના વલ્લભ કોલ ડેપોના માલિકે ફરિયાદી અશ્વિન  કોલ ટ્રેડર્સના નામના આપેલ હતા.

ફરિયાદીએ આ તમામ ચેકો પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવતા આરોપીના ખાતામાં બેલેન્સ ન હોવાના શેરા સાથે પરત ફરેલ આથી ફરિયાદીએ પોતાની ચેક મુજબની લેણી રકમ મેળવવા આરોપીને નિયમ મુજબ નોટીસ પણ આપેલ પરંતુ આરોપીએ ફરિયાદીને રકમ આપવા દરકાર કરી નહોતી.

આથી ના છુટકે ફરિયાદી અશ્વિન કોલ ટ્રેડર્સના માલિકે આરોપી સામે ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં જુદી-જુદી ૧૧ ફરિયાદો દાખલ કરી હતી.

આ તમામ ફરિયાદોમાં પુરાવો લઇ બંને પક્ષોની દલીલો સાંભળી રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ગુન્હો બનતો હોવાનું માની આરોપીને ઉપરોકત કલમ હેઠળ એક વર્ષની સજા અને ૬૦ દિવસમાં ચેકની રકમ ફરિયાદીને આપવા અને જો મુળ રકમ આપવામાં કસુર થયે આરોપીને વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ રવિ બી.ગોગીયા, નિખીલ એસ. ગોગીયા, હિરેન રૈયાણી, ચાર્મીબેન રાવલ તથા શુભમ દોશી રોકાયા હતા.

(12:02 pm IST)