સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

ભાણવડ : વેડફાઇ જતુ મહામુલુ પીવાનુંપાણી

ભાણવડમાં જેના વાટે પાલિકા પીવાના પાણી ઘરો સુધી પહોંચાડે છે તે લાઇનોના લીકેજને કારણે અડધો અડધ પાણી ગટરોમાં વહી જાય છે, જેને અટકાવવા સતાવાહકોએ નક્કર આયોજન કરવાની તાતી જરૂર છે (તસ્વીર રવિ પરમાર, ભાણવડ)

ભાણવડ શહેરમાં પાલિકા તરફથી વિતરણ કરવામાં આવતા પીવાના પાણી લીકેજ લાઇનોને કારણે લોકોના ઘરો સુધી પહોંચતા પહેલાંજ ગટરોમાં વહી જાય છે જયારે  , પાલીકા તંત્ર દર્શક બની તમાશો જોઇ રહ્યું હોય તેમ નિષ્ક્રિય છે.

શહેરમાં હાલ પીવાના પાણીની ભારે કટોકટી સર્જાઇ છે, અને નર્મદાની નીર પર જ નિર્ભર છે અને પાણીની એક એક બુંદ હાલના સમયમાં કિંમતી છે, તેવામાં શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા માટેની પાણીની લાઇનોમાં ઠેર ઠેર લીકેજ હોઇ આ કટોકટીના સમયમાં મહામુલ પાણી ગટરોમાં વહી જઇ રહયું છે જેને રોકવા પાલિકા વાહકો નક્કર કાર્યવાહી હાથ ધરવાને બદલે મુકપ્રેક્ષકની જેમ જોઇ રહયા છે. એક તરફ પાણી બચાવી, જીવન બચાવોની ગુલબાંગો ફુંકવામાં આવી રહી છે ત્યારે સતાધીશોના નાક નીચે મહામુલુ પાણી માત્રને માત્ર કાર્યવાહી કરવાની ઉદાસીનતાને કારણે લોકોના ઘરો સુધી પહોંચવાને બદલે ગટરોમાં વહી જઇ રહયું હોય તે કેવી વિસંગતતા ભરી પરિસ્થિતી કહેવાય ? પીવાના પાણી માટે હાલ એકમાત્ર નર્મદાના નિરનો જ સહારો છે. ઉપરાંત દર પાંચ-છ દિવસે માંડ પાણી વિતરણ કરી શકાતું હોય તેમાં પણ જો આ રીતે અડધો અડધ પાણી વેડફાઇ જતુ હોય તો તેને અટાકાવવા માટે પ્રાથમીકતા આપવી જોઇએ, તેને બદલે સતાવાહકો જ ઉદાસિનતા દાખવે ત્યારે સરકારના પાણી બચાવોના દાવાઓ કેટલા પોકળ હશે તે સમજી શકાય છે.

(11:54 am IST)