સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

જસદણમાં તા. ૩૦ સુધી બપોરે એક વાગ્‍યા બાદ સ્‍વૈચ્‍છિક લોકડાઉન

(ધર્મેશ કલ્‍યાણી-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૨૦: જસદણમાં છેલ્લા એક સપ્તાહથી બપોરે ત્રણ વાગ્‍યા બાદ વેપારીઓ દ્વારા સ્‍વૈચ્‍છિક રીતે તમામ વેપાર ધંધા બંધ રાખવામાં આવતા હતા અને સ્‍વૈચ્‍છિક લોક ડાઉન કડક રીતે અમલમાં હતું. દરમિયાન ગઇકાલે સાંજે વિવિધ વેપારી એસોસીએશનના અગ્રણીઓ તેમજ વહીવટી તંત્રની એક બેઠક જસદણ તાલુકા સેવા સદન ખાતે મળી હતી. જેમાં નક્કી થયા મુજબ તારીખ ૨૦-૦૪ થી અમલ શરૂ કરીને તારીખ ૩૦-૪ સુધી દરરોજ બપોરે એક વાગ્‍યા બાદ મેડિકલ સ્‍ટોર સિવાયના તમામ વેપાર ધંધા દુકાનો સ્‍વૈચ્‍છિક રીતે બંધ રાખવામાં આવશે. જસદણના બજાર વિસ્‍તાર સિવાય બારોબાર આવેલા હીરાના તેમજ હેન્‍ડીક્રાફ્‌ટના કારખાનાઓ બુધવાર સુધી સ્‍વૈચ્‍છિક બંધ છે જોકે ગુરુવારે કારખાનાઓ ખુલ્‍યા બાદ તેઓ સાંજે ૬ કલાક સુધી કારખાનાની અંદર સોશિયલ ડિસ્‍ટન્‍સ સહિતના નીતિ-નિયમોને આધીન રહીને પ્રોડક્‍શન કામ ચાલુ રાખી શકશે. તમામ વેપારીઓએ એક વાગ્‍યા બાદ સ્‍વૈચ્‍છિક કડક રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

(11:56 am IST)