સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના સામે સ્‍વૈચ્‍છીક લોકડાઉન

ગામે-ગામ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલઃ બપોર બાદ અનેક જગ્‍યાએ વેપાર-ધંધા બંધ

વઢવાણ : તસ્‍વીરમાં થાનની બજારો બંધ નજરે પડે છે. (તસ્‍વીરઃ ફઝલ ચૌહાણ -વઢવાણ)

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના સામે સ્‍વૈચ્‍છીક લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે અને ગામે ગામ કોવીડ ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ થઇ રહી છે.

બપોર બાદ અનેક જગ્‍યાએ વેપાર - ધંધા બંધ રાખવામાં આવ્‍યા છે.

વિંછીયા

(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયા : વિંછીયા તથા તાલુકામાં ભયંકર કોરોનાને લઇ વિંછીયા ગામમાં બપોરના ૧ વાગે સમગ્ર ગામ બંધ એવુ આઠ દિવસનું સંપૂર્ણ સ્‍વૈચ્‍છીક લોકડાઉન અત્રેના વેપારી મંડળ દ્વારા અપાયુ હતું. જે સફળ રહ્યું છે પણ કોરોના એ માજા મુકતા આ વિસ્‍તારમાં ઘરે ઘરે ને શેરીએ - શેરીએ તાવ-શરદી-ઉધરસના શંકાસ્‍પદ કોરોના દર્દીઓએ વધારો થતા આજે સોમવાર તા. ૧૯ થી આગામી તા. ૩૦ સુધી સમસ્‍ત વિંછીયા ગામ બપોરના ૧ વાગ્‍યાના ટકોરે બંધ પાળી વિંછીયા તથા તાલુકામાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. જે સંક્રમણની ચેન ને તોડવા નાના-મોટા વેપારીઓ -વેપાર ધંધા બંધ રાખશે. વિંછીયા તથા લુકામાં છેલ્લા દિવસોથી રોજે-રોજ બે ચાર કોરોના સંકાસ્‍પદ મૃત્‍યુના સમાચારથી લોકો ભયના ઉચાટ થી થરથર કાંપી રહ્યા છે....! આ તરફ તાલુકા મથક વિંછીયાના સરકારી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં માત્ર થીગડ-થાગડ- કોરોના રેપીડ ટેસ્‍ટની સગવડ છે....! જાણવા મળ્‍યા મુજબ જન જાગૃતિના અભાવે વિંછીયા તાલુકામાં કોવિડ રસીનું રસીકરણ અતિ ધીમું છે. તાવ, શરદી, ઉધરસની દવા લેવા અહીં વિંછીયાના ખાનગી દવાખાનાઓમાં ભીડ જામે છે. પણ ખાટલે મોટી ખોડની જેમ કોરોના ટેસ્‍ટ કરાવવામાં લોકો આળસ કરી રહ્યા છે. જેને લીધે આ વિસ્‍તારમાં કોરોના વધુ ન ફેલાય તો જ નવાઇ....!?

 ભાવનગર

(મેઘના વિપુલ હીરાણ દ્વારા) ભાવનગર  : ભાવનગરમાં કોરાના વાઇરસનું સંક્રમણ વધી રહયુ છે. ત્‍યારે શનિ-રવિ બે દિવસ શહેરની બજારો બંધ રહી હતી. જયારે આજે સોમવારે પણ  ભાવનગરનાં નિર્મળનગર હિરાબજાર સજ્જડ બંધ જોવા મળી હતી. હિરા-ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામે આજે સ્‍વૈચ્‍છીક લોકડાઉનમાં જોડાયા હતા અને પોતાના ઉદ્યોગ ધંધા-બંધ રાખ્‍યા હતાં.

ઉપરાંત ભાવનગર હેર કટીંગ સલુન એસો. દ્વારા પણ બે દિવસ સોમ અને મંગળવારે સ્‍વૈચ્‍છીક લોકડાઉન જાહેર કરતાં ભાવનગર શહેરમાં વાળંદની દુકાનો બંધ રહી હતી.

પ્રભાસ પાટણ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે કોરાના મહામારીને ધ્‍યાને લઇને નાવદ્રા ગામના આગેવાનો દ્વરા વહેલી સવારે ૬થી ૧૦ અને સાંજે ૪ થી ૭ સુધી કરિયાણા તથા અન્‍ય દુકાનો ખુલી રાખવા નો મહત્‍વનો નિર્ણય કરેલ છે સાથે આ સમય દરમ્‍યાન અન્‍ય કોઈ પણ ધંધા સાથે સંકળાયેલા ફેરિયા ભાઈઓ એ આ સમય દરમિયાન ગામમાં ફેરી ન કરવી આ તકે બીજો નિર્ણય ગામમાં લૌકિક ક્રિયા તથા બેસણું તથા ધાર્મિક કાર્યક્રમ ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્‍યો આ તકે ગામ ના આગેવાનો પાંચાભાઈ વાળા ઉપપ્રમુખ તાલુકા પંચાયત વેરાવળ, કાળા મેર સરપંચ નાવદ્રા તથા કોળી સમાજના પટેલ ગોવિંદભાઇ ભરડા, માજી પટેલ ડાયાભાઈ પટેલ, જાદવભાઈ ભરડા, ગોવિંદભાઇ શીંગડ, મેરામણભાઈ મેર, બાબુભાઇ વાજા, તથા રાણાભાઇ ચુડાસમાદ્વારા ગામમાં ફરી ગામના તમામ લોકો ને જાણ કરેલ આ તકે પાંચાભાઈ વાળા ઉપપ્રમુખ તાલુકા પંચાયત દ્વારા ગામના લોકો ને શક્‍તિવર્ધક હોમીયો પેથીક ગોળીનું પણ ઘરે ઘરે જઇને વિતરણ કરેલ તેમજ આરોગ્‍ય ની બાબતે કોઈ પણ તકલીફ પડે તો સરપંચ તેમજ પાંચા ભાઈ વાળા નો સંપર્ક કરે તેવું એક યાદીમાં જણાવેલ છે (નોંધઃ હોમીયો પેથીક ગોળી જનસેવા ટ્રસ્‍ટ ઇન્‍ડિયન રેયોનના સહયોગથી મળેલ છે)

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : છેલ્લા દશેક દિવસમાં યુવાનો થી માંડી વૃદ્ધોના અનેકો મોત પામ્‍યા છે. શહેરીજનોમાં દહેશતનો માહોલ છવાઇ ગયો છે. ત્‍યારે ગત શુક્રવારથી સોમવાર સુધી ૪ દિવસ સંપૂર્ણ લોકડાઉન રહ્યું હતું. ત્‍યાર બાદ વેપારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ૩૦ એપ્રિલ સુધી બજારો બપોરના ૨ વાગ્‍યા સુધી જ ચાલુ રાખવાનું નક્કી કરતા આંશિક લોકડાઉન થશે.

ત્‍યારે થાનગઢના વેપારીઓની બેઠક મળી હતી. જેમાં શુક્રવારથી સોમવાર સુધી ચાર દિવસ બજાર સંપૂર્ણ બંધ રહેવા પામી હતી. જયારે નવી બેઠક મળતા તમામ વેપારીઓએ આવતી ૩૦ એપ્રિલ સુધી દરરોજ બપોરના બે વાગ્‍યા સુધી પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખી બે વાગ્‍યા બાદ આંશિક લોકડાઉન કરવાનું નક્કી કરતા આજે  મંગળવારથી બજારો બે વાગ્‍યા સુધી ખુલ્લી રહેશે.

(11:50 am IST)