સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

થાનગઢના સરોડી ગામના ‘ડબલ મર્ડર'ના કેસમાં રાજકોટના એડવોકેટ કલ્‍પેશ નસીતની સ્‍પે. પી.પી. તરીકે નિમણુંક

પત્‍નિ રિસામણે જતાં ઘર કંકાસના કારણે આરોપીએ સાળી અને સસરાની હત્‍યા કરી હતી

રાજકોટ તા. ર૦ :.. થાનગઢના સરોડી ગામે ડબલ મર્ડરમાં સાળી-સસરાની કરપીણ હત્‍યાનાં ગુનાનાં કામે સરકારશ્રી દ્વારા સ્‍પે. પી. પી. તરીકે અભય ભારદ્વાજ એસો. ના એડવોકેટશ્રી કલ્‍પેશ બી. નસીતની નિમણુંક કરેલ છે.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, સુરેન્‍દ્રનગર-થાનગઢના સરોડી ગામમાં રહેતી મીનાબેન દામજીભાઇ ચાવડના લગ્ન મુળીમાં રહેતા મુળીના હીતેષભાઇ ભરતભાઇ કોરડીયા સાથે થયા હતાં. પરંતુ ઘર કંકાસના કારણે ૬ માસથી યુવતી રીસામણે પીયર સરોડી ગામમાં રહેતી હતી ત્‍યારે જમાઇ હીતેષભાઇ એ છરી લઇ સરોડી પોતાના સસરાના ઘરે ઘસી આવ્‍યો હતો અને કોઇ કાંઇ સમજે તે પહેલા ઘરનાં તમામ વ્‍યકિતઓ પર છરી વડે હૂમલો કરી આંતક મચાવ્‍યો હતો. જેમાં યુવાનની સાળી સોનલને છરીનાં ઘા લાગતા ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું જયારે સાસુ, સસરા, સાળા અને તેમની પત્‍નીને ઇજાઓ પહોંચતા તાત્‍કાલીક સારવાર માટે લઇ જવાયા હતાં. જયારે સારવાર દરમ્‍યાન સસરાનું પણ મોત નિપજતા બનાવ બેવડી હત્‍યામાં પલટાયો હતો. જે મુજબની ફરીયાદ સુરેન્‍દ્રનગર જીલ્લાના થાનગઢ પોલીસ સ્‍ટેશનમાં ડબલ મર્ડરનો ગુન્‍હો નોંધાયેલ.

આ ગુન્‍હાની ફરીયાદની હકિકત જોવામાં આવે તો મીનાબેન દામજીભાઇ ચાવડા છેલ્લા આઠેક માસથી તેમના સાસરીયા મુકામેથી પીયરમાં સરોડી ગામે રીસામણે આવેલ હોય, જે રીસામણા બાબતે આરોપી સાથે મન દુઃખ ચાલતુ હતુ અને જે મન દુઃખના કારણે આ કામનો આરોપી હીતેષભાઇ સ/ઓ. ભરતભાઇ મગનભાઇ કોરડીયા, રહે. મુળી, આંબેડકરનગર કાચના મંદિર પાસે વાળો ફરીયાદીબેન સરોડી ગામે પીયરમાં રહેતા હોય, આરોપી સરોડી ગામે ફરીયાદીબેનના ઘરે પોતાના બંને હાથમાં એક એક છરીઓ લઇ આવી કહેલ કે, આજે તો એકેયને છોડવા નથી, પતાવી દેવા છે, બોલી ફરીયાદીના મમ્‍મી ઉષાબેન ઉપર તથા પિતાશ્રી દામજીભાઇ ઉપર તથા બહેન સોનલબેન તથા ભાઇ લલીતભાઇ ઉપર આડેધડ છરીઓના ઘા કરી જીવલેણ ગંભીર પ્રકારની ઇજાઓ કરી સાહેદ સોનલબેન ડો.-ઓ દામજીભાઇ ચાવડા તથા દામજીભાઇ હરીભાઇ ચાવડા રહે. સરોડી વાળાના મોત નિપજાવી તથા ફરીયાદીબેન તથા તેઓના માતુશ્રી ઉષાબેન તથા ભાઇ લલીતને આરોપીએ છરીઓ વડે જીવલેણ ગંભીર ઇજાઓ કરેલ અને જે બનાવમાં આરોપીની સાળી તથા સસરાની કણપીણ હત્‍યા કરેલ છે. જે બનાવના વીડીયો ફુટેજ થયેલ હતી. આવા ચકચારી બનાવમાં રાજકોટના અભય ભારદ્વાજ એસો.ના કલ્‍પેશ બી. નસીતની સ્‍પે. પી. પી. તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

એડવોકેટ કલ્‍પેશભાઇ બી. નસીત રાજકોટમાં પણ ઘણા કેસોમાં ફરીયાદ પક્ષે તથા લીગલમાં નીમાયેલા છે અને છેલ્લા ૧૧ વર્ષથી સેશન્‍સ કોર્ટમાં ફોજદારી કેસો લડીને ફરીયાદી તથા આરોપીઓને ન્‍યાય અપાવેલ છે તેમજ અન્‍ય રાજકીય આગેવાનોના કેસોમાં પણ કામગીરી કરેલ છે.

 

(10:22 am IST)