સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

કચ્છ કોરોનાની ભીંસમાં : એક જ દિ'માં ૮ મોત, નવા ૧૨૪ કેસ વચ્ચે સારવારની બૂમરાણ સામે ચક્કાજામ

મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રીની હૈયાધારણ સાથે સૂચનાઓ જાહેરાતો પછી'યે તંત્ર મિટિંગોમાં વ્યસ્ત રહેતાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને પરિવારોની હાલત કફોડી

(ભુજ) કોરોના ની આ બીજી લહેરે કચ્છભરમાં ભારે ફફડાટ સાથે દહેશત સર્જી છે. ગત વખતના લોકડાઉન બાદ કોરોના પિક ઉપર આવ્યા પછી સરકારે કરેલી તૈયારીઓ પૂરતી નથી એ હકીકત કોરોના ની બીજી લહેરમાં બહાર આવી છે. તેમાંયે કચ્છમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત દરમ્યાન સારવાર માટે લોકોને અપાયેલી હૈયાધારણ અને જાહેરાતો સાથે તંત્રને આપેલ સૂચનાઓ વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓ  તેમ જ તેમના પરિવારોની લાચારી ઘટી નથી. આજે કચ્છ જિલ્લાની મુખ્ય કોવીડ હોસ્પિટલ અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં જિલ્લા તંત્રએ ગોઠવેલ રેમિડિસિવિર ઈન્જેકશન માટે લોકો આઠ આઠ કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી હોબાળો મચ્યો હતો. તો, હોસ્પિટલમાં ઓક્સિજન બાબતે, નવા દર્દીઓ માટે બેડ મેળવવા થતી મુશ્કેલી અંગે પણ દર્દીઓના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, આ સમયે તંત્ર મિટિંગમાં વ્યસ્ત રહ્યું હતું. નારાજ સામાજિક, રાજકીય આગેવાનો રફીક મારા, નરેશ મહેશ્વરી, રમેશ ગરવા અને અન્ય કાર્યકરોએ કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો ની મુશ્કેલી સામે તંત્રનું ધ્યાન દોરવા ચક્કાજામ કરી વાહનવ્યવહાર અટકાવ્યો હતો. જોકે, દોડધામ બાદ તંત્રએ વ્યવસ્થા ગોઠવી પરિસ્થિતિ થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.
દરમ્યાન કોરોનાએ કચ્છને બરાબર ભીંસમાં લીધું છે. અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ ૮ મોત, નવા ૧૨૪ દર્દીઓ અને ૮૨૬ એક્ટિવ કેસ નોંધાયા છે.

(12:08 am IST)