સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

અમરેલી હાટીનાઃ કડાયામાં જવાનનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીનઃ માન-સન્માન સાથે સલામી

અમરેલી-માળીયા હાટીના, તા.૨૦: કાલે સાવરકુંડલામાં સર્પદંશથી માળીયા હાટીના તાલુકાના કડાયા ગામના જવાનનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે જયારે એક જવાનને સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.

આઇ. ટી. બી. પી. એફ. (પેરામિલેટરી ફોર્સ)ના જવાન હેમરાજભાઇ મનજીભાઈ ચુડાસમા (ઉં.વ. ૩૨) તેમજ નરેશકુમાર કોમાજી (ઉં.વ. ૩૮) લોકસભાની ચૂંટણી અંતર્ગત સાવરકુંડલા ખાતે ફરજ પર હોય,  બન્ને જવાનોને સર્પદંશ મારતાં સાવરકુંડલા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં, જયાં ફરજ પરના તબીબે હેમરાજ ચુડાસમાને મૃત જાહેર કર્યા હતાં તથા નરેશકુમારની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડી તેમના પરિવારને જાણ કરી હતી. જવાન હેમરાજભાઇનું અકાળે અણધાર્યુ અવસાન થતાં તેના માતા-પિતા, ભાઈ-પિતરાઈ વગેરે સ્વજનો ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં, જવાનની માતા લાભુબેનના આક્રંદથી હોસ્પિટલમાં ઉપસ્થિત સૌ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પોસ્ટ મોર્ટમ કર્યા બાદ શહીદ હેમરાજના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના વતન કડાયા (ગીર) તા. માળિયા (હાટીના) જીલ્લો જૂનાગઢ રવાના કરવામાં આવ્યો  જવાનના સ્વજનો અમરેલી પહોંચ્યાં ત્યાં સુધી માનવ સેવા અને રાષ્ટ્ર ધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપના સભ્યો ખડે પગે રહ્યા હતાં. સંસ્થાના પ્રમુખ વિપુલ ભટ્ટી, ધર્મેન્દ્ર લલાડિયા, દિલીપ રંગપરા, પરેશ પરમાર, જયેશ લીંબાણી, રાજુભાઈ વગેરે યુવાનોએ હેમરાજભાઇ ચુડાસમાના પરિવારજનોને સાંત્વના પાઠવી, શહીદ જવાનને સજળ નયને શ્રદ્ઘાંજલિ આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શાંતાબા મેડિકલ કોલેજ સ્ટાફ, પોલીસ સ્ટાફ તેમજ જવાનના સાથી જવાનોએ પુરા માન-સન્માન સાથે સલામી આપી હતી.

આજે  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આયુષ ઓક એ પત્રકારોને આ અંગેની માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી અંગે ફરજ પર આવેલા ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના એક જવાન જેઓ જૂનાગઢ જીલ્લાના વતની હતા.હેમરાજ મનજીભાઇ ચુડાસમા નામના  આ જવાન ની ઉંમર ૩૨ વર્ષની હતી. જેનું સારવાર દરમ્યાન મુત્યુ થયું હતું. બીજા જવાનને રાજકોટ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. તેની સ્થિતી સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

કલેકટરશ્રી આયુષ ઓક એ વધુમાં જણાવ્યું કે ચૂંટણીના મતદાન મથકો સહિત જયાં ચૂંટણી સ્ટાફ માટે ૧૫ જેટલી મેડીકલ ટીમો મોકલવામાં આવી છે. જેની કામગીરી સમગ્ર જિલ્લામાં શરૂ કરી દેવામાં આવેલ છે. આ તકે સવિલ હોસ્પિટલના સર્જનશ્રી ડો.રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પટેલ અને નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ.બસીયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)