સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

હાર્દિક પટેલ ઉપર હુમલાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની રેલીઃ આવેદન

હુમલો કરનાર તરૂણ ગજ્જર સારવારમાં: લાફો ઝીંકનારને કડક સજા કરવા પાસ અને કોંગ્રેસની ઉગ્ર માંગણી

તસ્વીરમાં ટોળાનો હુમલોનો ભોગ બનેલ તરૂણ ગજ્જરને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે(૨-૨)

વઢવાણ, તા. ૨૦ :. સુરેન્દ્રનગર જિલ્લાના બલદાણા ગામમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલના સમર્થનમા જાહેરસભા યોજાયેલ હતી. આ સભામાં કડી પંથકના તરૂણ ગજ્જર નામના વ્યકિતએ હાર્દિક પટેલને લાફો ઝીંકયો હતો ત્યાર બાદ હોબા ળો મચી ગયો છે. આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસ અને પાસ દ્વારા આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા રેલી અને આવેદનનું આયોજન કરવામાં આવ્યુ છે.

આજે બપોરે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં રેલી યોજાશે અને કલેકટરશ્રી તથા પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. હાર્દિક પટેલને લાફો ઝીંકનાર તરૂણ ગજ્જરને કડક સજા આપવાની માંગણી કરવામાં આવશે.

હુમલા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે હાર્દિક પટેલ ઉપર હુમલો કરવા માટે ભાજપે જ ગુંડાઓ મોકલ્યા હતા અને હુમલો કરનાર ભાજપનો જ કાર્યકર છે. આવી ઘટનાઓને કયારેય સાંખી ન લેવાય. આવનારા દિવસોમાં ભાજપને તેનુ પરિણામ ભોગવવુ પડશે.

જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, હાર્દિકને સમર્થન મળતુ નથી આથી લોકોની સહાનુભૂતિ મેળવવા માટે જ હાર્દિકે અને કોંગ્રેસે સાથે મળીને ષડયંત્ર કર્યુ છે. તરૂણ ગજ્જર ગ્રામ પંચાયતમા કોંગ્રેસના સમર્થનનો સભ્ય રહી ચૂકયો છે. કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં હજુ પણ આવા ગતકડા કરશે.

સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડીયાએ જણાવ્યુ હતુ કે, બનાવની ગંભીરતાને ધ્યાને લઈ હાર્દિક પટેલ ઉપર હુમલો કરનાર તરૂણ ગજ્જરને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ તે સારવારમાં છે. આ બનાવ અંગે હાર્દિક પટેલની ફરીયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવ બાદ તરૂણ ગજ્જરે વઢવાણ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલના ૩૫થી વધુ સમર્થકો સામે ફરીયાદ નોંધાવી છે.

(12:16 pm IST)