સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

ઓખા બેટ શંખોદ્વારા હનુમાન મંદિરમાં હનુમાન જયંતી મહોત્સવ ઉજવવા માનવ મહેરામણ ઉમટયો

હજારો ભકતજનો દરિયાની જળ યાત્રા કરી સાત કિ.મી.ની દાંડી હનુમાનની પદયાત્રા કરી

ઓખા, તા. ર૦ : દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓખા બેટ શંખોદ્વારા હનુમાન દાંડી મંદિરે હનુમાન ડાડાનો જન્મ ઉત્સવ ખૂબજ ધામધુમ થી ઉજવવામાં આવ્યો હતો. જેમાં વહેલી સવારથી જ લોકો ઓખા જેટી પરથી બેટ દ્વારકા જવા રવાના થયા હતાં.

આપણી પુણ્ય ભૂમિ ભારત દેશમાં એવા કેટલાય પવિત્રને સિદ્ધ થયેલા સ્થાનો આવેલા છે જેના વિષે પરિચય કે દર્શન પ્રાપ્ત થવા એ પણ એક વ્હાવો છે તેમજ દરેક હિન્દુ ધર્મપ્રેમી માનવીનું એ કર્તવ્ય પણ બની રહે છે. ભારતની પશ્ચિમી દિશામાં ભગવાન શ્રી કૃષ્પનું જગ પ્રસિદ્ધ મંદિર છે જે ચાર ધામમાં એક સ્થાન છે. જે કદાચ બહુ ઓછા લોકોના ધ્યાને આવેલ છે અને એવા આ સ્થાનનું નામ છે શ્રી હનુમાન દાંડી મંદિર કે જે દેવભૂમિ દ્વારકા જીલ્લાના છેક અંતિમ છેડે ઓખા બંદરે આવેલુ છે જેને નકશામાં અરબી સમુદ્ર તરીકે દર્શાવાયો છે. ઓખાથી ફકત ચાર કિ.મી.ના અંતરે દરિયા વચ્ચે બેટ શંખોદ્વાર નામનું સાવ નાનકડુ ટાપુમાં વસેલ ગામ છે. લોકો તેને બેટ દ્વારકા પણ કહે છે.

આ બેટ ગામથી લગભગ સાત કિ.મી. દૂર સાવ નિર્જન વગડામાં આવેલ ભૂમિ પર શ્રીરામ ભકત હનુમાનજીની બે મૂર્તિઓ સ્થાપિત છે એવું કહેવાય છે કે એ સ્થાપીત નહીં, પરંતુ સ્વયંભૂ પ્રગટેલી છે. જો કે હવે તો આ મંદિરનો જીર્ણોધાર થયો છે.

એવું કહેવાય છે કે આ જર્જરીત મંદિર એક ખાખી રામાનંદી ભજની બાવા શ્રી સાતારામ છલમનદાસે આજથી અનેક વર્ષો પહેલા બંધાવેલું છે. આ મંદિરમાં બે મૂર્તિ બિરાજમાન છે એક હનુમાનજી તથા બીજા તેમના પુત્ર મકરધ્વજ જે વિશ્વનું એક માત્ર મંદિર છે ક જયાં હનુમાનજી પિતા પુત્ર બન્ને સાથે જોવા મળે છે. આ હનુમાન દાદાના સ્વરૂપ વિશે જાણકાર ઓખાના વડીલ શિક્ષક શ્રી જયંતિભાઇ ધોકાઇસાહેબ પાસેથી જાણવા મળ્યું છે કે દર વર્ષે દાદાની એક મૂર્તિ જવભર ભૂમિમાં ઉતરે છે. અર્થાત તાપાળ પ્રવેશ કરે છે અને એક મૂર્તિ ઉપર આવે છે. કલીને અંતે અર્થાત પૃથ્વીના પ્રલય સમયે આ આખુ જ સ્વરૂપ પાતાળમાં પ્રવેશ કરી જશે તેવી માન્યતા છે.

આ પવિત્ર સ્થાનમાં કેટલાક વર્ષ પહેલા પ્રાપ્ત સ્મરણીય શ્રી પ્રેમભિક્ષુજી મહારજે ૧૩ મહીના સુધી કાષ્યમૌન તપસ્ચર્યા કરી ૧૩ કરોડ 'શ્રીરામ જયરામ જયરામ જય જય રામ'ના મંત્ર લખાવીને અનુષ્ઠાન કર્યું હતું અને અખંડ હરી નામની જયોત આ પવિત્ર ભૂમિએથી પ્રારંભ થયો હતો. જે ધન્ય પ્રસંગ કદાચ સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા ભાગ્યશાળી ભકતોને હજુય યાદ હશે. આજે તો દેશમાં અનેક રામનામની અખંડ ધુનો કાર્યરત છે.

વળી આ સ્થાનની એક ખાસ વાત એ પણ છે કે ત્યાના પૂજારી એક સોપારી મૂર્તિના હૃદય સ્થાન પર ચોડાડી અમુક બાધા રાખે છે. સમયાન્તરે ભાવિક ભકતની મનોકામના સિદ્ધ થાય પછી એજ સોપારી સોના કે ચાંદીમાં મઢાવી અહીં મૂર્તિને ધરાવે છે અને ધન્ય બને છે.

દર વર્ષે હનુમાન જયંતિ ઉત્સવ પ્રસંગે ઠેરઠેરથી હજારોની સંખ્યામાં ભાવિકો અહીં ઉમટી પડે છે અને દર્શન તેમજ મહાપ્રસાદ પામે છે. અહીં મુખ્ય મંદિરેથી સાત કિ.મી. દૂર આવેલ હનુમાન દાંડી મંદિરે ભકતજો ચાલીને અને રીક્ષાઓ દ્વારા હનુમાન દાંડી મંદિરે પહોંચે છે. અહીં દ્વારકાધિસજીના મુખ્ય મંદિરેથી ચોક્કીવાળા હનુમાન મંદિરેથી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા રસ્તામાં વિવિધ ખાણી પીણીના સ્ટોલો ઉભા કરવામાં આવે છે. સવારે ૬:૩૮ વાગ્યે હનુમાનજીનો પ્રાગટય ઉત્સવ સાથે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૦ વાગ્યે ડાડાનો મહા અન્નકોટના દર્શન રાખવામાં આવ્યા હતા. બપોરે ૧રઃ૩૦ વાગ્યે મંદિરના શીખરે ધ્વજા રોહણ રાખવામાં આવ્યું હતું. આ ઉત્સવ સૌ સાથે મળી શ્રી રામ જય જય રામના મહામંત્રના કિર્તન સાથે ઉજવ્યો હતો. ત્યારબાદ મંદિરના વિશાળ પટાંગણમાં સમૂહ પ્રસાદી સૌએ લીધી અને સાંજ સુધી પ૦ હજાર લોકોએ સમૂહ પ્રસાદ લીધો.

(12:14 pm IST)