સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા B.C.A અને B.Sc.(I.T.) સેમેસ્ટર-૬ નું પરિણામ જાહેર

B.C.Aનું ૭૯.૭૮ ટકા તથા B.Sc.(IT)નું ૯૩.૮૭ ટકા : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ માત્ર ૧પ દિ'માં પરિણામ જાહેર કર્યું

જુનાગઢ, તા. ર૦ : જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ તથા દેવભૂમિ દ્વારા જીલ્લાની ૧પ૭ જેટલી કોલેજોનું નિયમન અને નિયંત્રણ કરતી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આજ રોજ માત્ર પંદર દિવસ જેવા ટૂંકા ગાળામાં સેમેસ્ટર-૬ની બે પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં B.C.A નું પરિણામ ૭૯.૭૮ ટકા તથા B.Sc.(I.T.)નું પરિણામ ૯૩.૮૭ ટકા આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ પેપરોનું પુનઃમૂલ્યાંકન કરાવવા માગતા હોય તેઓ પરિણામ જાહેર થયાના દિવસ-૧૦માં પોતાની કોલેજ મારફત અરજી કરી શકે છે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કા.કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીના નેતૃત્વ હેઠળ તમામ સેમેસ્ટરના દરેક પરીક્ષાના પેપર ચેક કરવાની કામગીરી ઝડપી અને અસરકારક રીતે ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બાકી રહેલા પરિણામો પણ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે તેમ યુનિવર્સિટીના રજીસ્ટ્રારની યાદીમાં જણાવયું છે.

(12:09 pm IST)