સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th March 2020

ગોહિલવાડમાં ૭ હજાર શિક્ષકોનું 'કોરોના' જાગૃતિ અભિયાન : મહિલા સારવારમાં

ભાવનગર જિલ્લામાં વિદેશથી પરત ફરેલા ૩૬ પ્રવાસીઓ પૈકી ૨૪ના ૧૪ દિવસના ઓબ્ઝર્વેશન પૂર્ણ : તમામની તબિયત તંદુરસ્ત

ભાવનગર તા. ૨૦ : કોરોના વાઈરસનો જીવલેણ પ્રસવ ચોમેર વધી રહ્યો છે ત્યારે કેન્દ્ર તથા રાજય સરકાર આ મહામારી સામે કઈ રીતે સાવધ રહેવું અને જરૂર જણાયે કેવા પગલાઓ લેવા તે અંગે જોરશોરથી પ્રચાર પસાર કરી રહી છે અને ઉપરાંત સ્વયંસેવી સંસ્થાઓ પણ આફતની આ ઘડીએ મેદાને પડી છે ત્યારે ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંઘ દ્વારા સ્વેચ્છાએ આગવી પહેલ કરી છે. તા. ૨૯ એપ્રિલ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની સાડાસાત હજાર શિક્ષકો ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામડાઓમાં ઘરે ઘરે ફરિ લોકોની મુલાકાત લઈ કોરોના વાઈરસની મહામારીથી કઈ રીતે રક્ષણ મેળવવું આ રોગના લક્ષણો કેવા પ્રકારના હોય પ્રાથમિક તકેદારીના ભાગરૂપે કેવા પગલાઓ લેવા એ સહિતની બાબતોથી લોકોને અવગત કરાવશે.

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે આ કામગીરી માટે શિક્ષકોને ફરજ પાડવામાં કે આદેશો કરવામાં આવ્યે નથી શિક્ષકો સવયંભૂ રીતે આ નેક ઉમદા કામગીરી માટે આગળ આવ્યાં છે અને શ્રેષ્ઠ કામગીરી સ્વીકારી છે ૧૮ માર્ચથી શરૂ કરવામાં આવેલ અભિયાન ૨૯ એપ્રિલ સુધી ચાલશે આ અંગેની સમગ્ર માહિતી જિલ્લા વિકાસ અધિકારી વરૂણ કુમાર બનેવાલે આપી હતી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના નિર્ણયને આવકાર્યો હતો.

ભાવનગર શહેર તથા જિલ્લામા કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામા આવી છે. જે અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે લોકોની સલામતી માટે તંત્ર દ્વારા સઘન પગલાઓ લેવામા આવશે. કોરોના વાયરસથી લોકોએ ડરવાની બિલકુલ જરૂર નથી. જાહેરમા લોકો એકઠા થવાનુ ટાળે અને કોરોના વાયરસના સંક્રમણથી બચવા અંગેની મહત્ત્।મ જાગૃતિ કેળવે. આ વાયરસ સામે સાવચેતી એ જ સલામતી છે અને તેથી જ રાજય સરકાર દ્વારા આપવામા આવેલી સુચનાઓનો ભાવનગર જિલ્લામા અસરકારક અમલ કરવામા આવી રહ્યો છે. આજ રોજ કુલ ૪ વ્યકિતઓ વિદેશથી ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમા પરત ફરેલ. જેઓની તબિયત સારી હોવાનુ તંત્ર દ્વારા જણાવાયુ છે તેમજ સરકારશ્રીની સુચના અનુસાર ૧૪ દિવસ માટે હાલ કવોરોન્ટાઈનની તેઓને સુચના આપવામા આવેલ છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમા કુલ ૩૬ વ્યકિતઓ વિદેશ મુસાફરી કરી પરત ફરેલ છે. જે પૈકીના ૨૪ વ્યકિતઓને ૧૪ દિવસ માટે ઓબ્ઝર્વેશન પુર્ણ થયેલ છે અને તેઓની તબિયત તંદુરસ્ત છે. ભાવનગર જિલ્લામા હાલ પાલીતાણા મુકામે રહેતા એક ૫૭ વર્ષીય મહિલા સર. ટી. હોસ્પીટલ ખાતે આઈસોલેશન વોર્ડમા સારવાર હેઠળ છે. જેમનો કોરોના વાયરસ અંગેનો રીપોર્ટ હજુ સુધી આવેલ નથી.

(11:49 am IST)