સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

જેતપુરની અંકુર હોટલમાં ગુંજ્યા કરે છે ચકલીઓની ચીં...ચીં...

મનસુખભાઇ પટેલના પ્રયાસોથી ''ચકલી બચાવો અભિયાન'' વધુ વેગવંતુઃ લોકોનાં ઘર- ઘર સુધી પહોંચી ચકલી

 જેતપુર તા.૨૦: ચકલીની ચીચીયારીઓ ફરી ઘેરઘેર ગુંજે અને લુપ્ત થતી પ્રજાતિ ફરી અસ્તિત્વમાં આવે તેવા હેતુથી ૨૦ માર્ચને ચકલી ડે તરીકે મનાવવામાં આવે છે. આજના સમયમાં લોકો પશ્ચિમી સંસ્કૃતિને અપનાવતા અનેક ''ડે'' ઉજવે છે. પરંતુ ચકલી ડે ની ઉજવણી જો દરેક લોકો પોતાના ઘેર ચકલીનો માળો રાખી કરે તો ફરી આંગણામાં ચકલી ચીચીયારી કરશે.

સમયની સાથે આજે દરેક વસ્તુ વ્યકિતની રહેણીકરણી બધુ બદલાઇ ગયું છે. પહેલા બાળકો જે રમત ગમત જેવી કે કબડ્ડીઓ, ગીલ્લીદંડો રમતા તેનાંથી તેનો માનસીક તેમજ શારીરિક વિકાસ થતો પરંતુ આજના હાઇટેક યુગમાં બાળકો બહારની રમતો મુકી ટેકનોલોજીની પાછળ આંધળી દોડ મુકી મોબાઇલમાં ફસાઇ ગયા છે. જેથી કદાચ આવનારી પેઢીને અમુક રીતરિવાજ કે કુદરતી આનંદની ખબર જ નહીં રહે. પહેલાનાં સમયમાં સંયુકત પરિવારમાં રહેતા હોય તમામ બાળકોને દાદા-દાદી વાર્તાઓ સંભળાવતા જેમાં મુખ્ય ચકલી ની જ હોય તેથી બાળકો માસુમ ચકલીને સર્વપ્રથમ ઓળખતા થતા. ચકલી આજના સમયમાં લુપ્ત થતી હોવાનું મુખ્ય કારણ આપણા મકાનો છે. કેમ કે પહેલા જુનવાણી મકાનોમાં ચકલી પોતાનો માળો બાંધી શકે તેવી અનેક જગ્યાઓ હતી જેમાં ટયુબલાઇટ, ફોટોફ્રેમ પાછળ વગેરે પરંતુ હાલ આલીશાન મકાનોમાં તેવી વસ્તુ રહી જ નથી.

આ ચકલીઓની ચીચીયારી ફરી આપણાં ઘર સુધી પહોંચે, આપણા આંગણામાં આવે તેવો સુવિચાર અત્રેના ધારેશ્વર વિસ્તારમાં આવેલ જુની હોટલ અંકુરના માલીક મનસુખભાઇ પટેલને આવ્યો હતો તેઓ પોતાના ગામડેથી ૩૨ વર્ષ પહેલા જેતપુર આવેલ અને હોટલનો બીઝનેસ શરૂ કરેલ પોતે ખેડૂત હોય જીવદયાપ્રેમી હોય હોટલમાં પાછળ વૃક્ષો વાવી ત્યાં પાણીના કુંડા મુકવા વૃક્ષોના છાંયડામાં પંખીઓ આવી ઠુંડુપાણી પીવે અને તેના ચણ માટે મનસુખભાઇ સવારમાં સર્વપ્રથમ પોતાના નિત્યક્રમ મુજબ ગાઠીયા -સેવ-રોટલાનો ભુકો કરી નાખતા ત્યાંજ કાબર, ચકલી, કબુતર સહિતના અનેક પંખીઓ આવી જાય. મનસુખભાઇએ પોતાની હોટલમાં અતિથીઓને આવકારવા ફુલનું તોરણ નહિં પરંતુ ચકલીના માળાનું તોરણ બનાવ્યું અને તેમાં ચકલીઓ પણ આવવા લાગી જેથી અહિં આવનારા લોકોએ મનસુખભાઇની સેવાને બિરદાવી આજે અહિં હોટલમાં ૫૦ થી ૬૦ જેટલા માળાઓ છે જેમાં ૨૦૦થી વધુ ચકલીઓ રહે છે અને દર વર્ષે મનસુખભાઇ ચકલીના માળાઓ ફ્રીમાં વિતરણ કરે છે. જેના પરિણામે આજે અનેક સંસ્થાઓ પણ ચકલીના માળા વિતરણ કરવા લાગી છે. જેથી ચકલી શહેરમાં જોવા ન મળતી તેના બદલે હવે ચકલીની ચીચીયારીઓ સંભળાવવા લાગી છે.

આવા સરળ, શાંત સ્વભાવના સેવાભાવી મનસુખભાઇ પટેલની મુલાકાત લેશો તો તેનો પશુ-પંખીઓ પ્રત્યેનો પ્રેમ તો જોવા મળશે જ સાથે- સાથે તેની હોટલની રસોઇમાં પણ મનસુખભાઇના પ્રેમનો વઘાર હોય ખાતા ધરાશો નહિં. ૩૨ વર્ષથી હોટલની રસોઇનો ટેસ્ટ એકધારો હોય અને લોકોની ડાઢે લાગી ગયો હોય વાહનોના થપ્પા લાગી જાય છે અને મનસુખભાઇ આવનારા તમામ ગ્રાહકોને પ્રેમથી જમાડે છે તો હવે મનસુખભાઇને મળવું જરૂરી બન્યું હોય તેવું લાગે છે તેના મો.નં. ૯૯૭૯૨ ૪૫૦૧૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:52 pm IST)