સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

જેતપુર સ્પેસ સ્કૂલમાં સંચાલકે અડપલા કરતા વાલીઓ દ્વારા મેથીપાક

ધો.૧૦માં સારા ટકા લેવડાવી દઇશ -આલે ચોકલેટ તેમ કહીને સીસીટીવી કેમેરા વગરના સ્પોર્ટસ રૂમમાં બોલાવીને છેડછાડ : માસુમ બાળાની હિમ્મતથી ઘટનાનો પર્દાફાશ : પોલીસ ફરીયાદ

તસ્વીરમાં સ્પેસ સ્કૂલ અને પોલીસ સ્ટેશને વાલીઓના ટોળા તથા છેલ્લી તસ્વીરમાં સ્કૂલ સંચાલક નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : કેતન ઓઝા-જેતપુર), નિતિન વસાણી-નવાગઢ)

જેતપુર-નવાગઢ, તા. ર૦ : અત્રેના સરદાર ચોક વિસ્તારમાં આવેલ મીડીયમ ઇંગ્લીશ સ્કૂલના સંચાલક દ્વારા માસુમ વિદ્યાર્થીનીને અડપલા કરાતા હોવાની રાવ વિદ્યાર્થીનીએ પોતાના વાલીને કરતા આજરોજ સવારે વાલીઓએ સ્કૂલે એકત્રીત થઇ સંચાલકને માર મારી પોલીસ હવાલે કરેલ જેથી પોલીસે વાલીની ફરીયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

શહેરના સરદાર ચોક વિસ્તારમાં આવેલ સ્પેસ મીડીયમ ઇંગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરતી માસુમ વિદ્યાર્થીનીને છેલ્લા પાંચ છ દિવસથી શાળાનો સંચાલક અરવિંદ સાવલીયા પોતાની ઓફીસમાં બોલાવી જુદી જુદી વાતો કરતો હોય કે આપણી શાળામાં ધોરણ ૧૦નું કેન્દ્ર મળી ગયું છે. આ બાળા ધોરણમાં અભ્યાસ કરવાની હોય તેને કહેલ કે હું તને ચોરી કરાવી સારા ટકા અપાવીશ. બાદમાં ચોકલેટ પણ આપી હતી. આ વાત તેના વાલીને કરતા વાલીઓએ પોતાની માસુમ બાળાને સચેત રહેવા જણાવેલ.

ત્યારે આ લંપટ સંચાલકે બાળાને કહેલ કે તું સ્કૂલ વાહનમાં નહિ પરંતુ વ્હેલી બાઇક લઇને  શાળાએ આવ અને અડપલા કર્યા હોય બાળા ગભરાઇને સ્કુલે જવાની ના કહેવા લાગતા તેના વાલીઓએ સમજાવીને મોકલી તો ગઇકાલે તે માસુમ બાળા રડતી હોય તેને પુછતા હિંમતભેર સંચાલકની તમામ વાત કહેતા વાલીઓએ ગુસ્સે ભરાઇ આજરોજ સવારે સ્કુલ ચાલુ થાય ત્યારે જ ત્યાં જઇ સંચાલક અરવિંદ સાવલીયાને માર મારી રૂમમાં પુરૂ દઇ પોલીસને બોલાવી પોલીસ હવાલે કરેલ. જેની સીટી પીઆઇ પટેલે માસુમ બાળાના વાલીઓની વાત સાંભળી તે દિકરી પોતાની જ દિકરી છે.

અને તમામને ન્યાય મળશે અને જે કંઇ પણ ફરીયાદ હોય તે લખાવી નાખવા જણાવેલ બાદમાં પોલીસ ફરીયાદના આધારે તપાસ આગળ વધારતી પોકસો સહિતની કલમો લગાડશે આ અગાઉ પણ કોઇની સાથે આ સંચાલકે આવુ કૃત્ય કરેલ છે કે નહિ તેની તપાસ કરવામાં આવશે હાલ આ વિદ્યાર્થીનીના કારણે અન્ય બાળાઓમાં પણ ભયનો માહોલ જોવા મળેલ વાલીમાં આક્રોશ સાથે પોલીસ સ્ટેશને ટોળા ઉમટી પડયા હતાં.

(3:45 pm IST)