સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

હળવદ-ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં ૩૦ મુરતીયા લાઇનમાં

પાસ અગ્રણી ગીતા પટેલ, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર શીખલીયા સહિત ૩૦ ઉમેદવારોએ ટિકીટ માંગી

હળવદ, તા.૨૦: ૬૪- ધાંગધ્રા વિધાન સભા સીટના કોંગ્રેસના ધારાસભ્યએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધા બાદ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે ધાંગધ્રા ખાતે ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસ પક્ષમાંથી અધધ ૩૦ જેટલા ઉમેદવારોએ સેન્સ આપી હતી.

હળવદ ધાંગધ્રાની ખાલી પડેલી બેઠક પર આગામી તારીખ ૨૩ એપ્રિલના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે બંને પક્ષો દ્વારા મૂરતિયાઓ ગોતવા મથામણ કરી રહ્યા છે ત્યારે ધાંગધ્રા ખાતે કોંગ્રેસ પક્ષના ગોવિંદભાઈ મકવાણા, બળદેવભાઈ લુણી, મનુભાઈ પટેલ, સહિતના કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં ચૂંટણી લડવા થનગનતા મુરતિયાઓના સેન્સ લેવામાં આવ્યા હતા જેમાં હળવદ ધાંગધ્રાની પેટા ચૂંટણી પર ૩૦ જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી હતી.જેમાં પાસ અગ્રણી ગીતાબેન પટેલ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા,ત્રિસાલભાઈ પટેલ, હેમાંગભાઈ રાવલ, મનસુખભાઈ, સનતભાઇ ડાભી, ગોગજીભાઈ પરમાર, વનરાજભાઈ રાજપુત, ભીખાભાઇ પટેલ, ત્રિભુવનભાઈ બાવરવા,કુલદીપસિંહ, મુકેશભાઈ ગામી,અનિલભાઈ પટેલ, અનિરુદ્ઘસીહ ખેર, કે.ડી બાવરવા, ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, દિનેશભાઈ સોનગરા, નારણભાઈ સહિત ૩૦ જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે ત્યારે હવે જોવાનુંએ રહ્યું કે હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં હાઈ કમાન્ડ કોને મેન્ડેડ આપે છે. એક સાથે આટલા બધા એ ટિકિટની માંગ કરતા બન્ને તાલુકામાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.(૨૨.૬)

(12:03 pm IST)