સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

જામનગર જિલ્લામાં હોળી - ધૂળેટી તહેવાર પર જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ

જામનગરમાં ચુંટણીલક્ષી પરવાનગી માટે સિંગલ વિન્ડો કાર્યરત

જામનગર તા. ૨૦ : જામનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાએ તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યું છે કે, હોળી, ધૂળેટી દરમ્યાન કોઈની ઈચ્છા વિરુધ્ધ તેના પર રંગ છાંટવો નહીં તેમજ કોઈની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સુત્રો પોકારવા કે બોલવા નહીં, ઉપરાંત પત્રિકા, પ્લેકાર્ડ અથવા વસ્તુઓ તૈયાર કરવી નહીં અને તેનો ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ દંડની પણ સજા થશે.

સિંગલ વિન્ડો સિસ્ટમ

આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ દરમ્યાન ઉમેદવારો/રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો અને લાઉડ સ્પીકરના ઉપયોગ જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી અને સમયસર મળે તેમજ તે માટે અલગ અલગ કચેરીઓનો સંપર્ક ન કરવો પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે તેમજ દરેક વિધાનસભા મત વિસ્તારના મુખ્ય મથક ખાતે સિંગલ વિન્ડો સીસ્ટમ અમલવારી કરવાની સુચના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા થઇ આવેલ છે. જે અન્વયે જામનગર જિલ્લામાં મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી ધ્રોલની કચેરીને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૭૬-કાલાવડ વિધાનસભા મતદાર વિભાગ નવો વિસ્તાર, મદદનિશ ચૂંટણી અધિકારી અને મદદનિશ કલેકટરશ્રી(જામનગર ગ્રામ્ય)કચેરીને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર , મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી જામનગર શહેરની કચેરીને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૭૮-જામનગર ઉતર વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર, મદદનિશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જામનગર કચેરીને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર, મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી લાલપુરની કચેરીને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૮૦-જામજોધપુર  વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર, મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી ખંભાળીયાની કચેરીને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૮૧-ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર અને મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી દ્વારકાની કચેરીને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૮૨-જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તારનો સમાવેશ કરી સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ ઉપરોકત કચેરીઓના અધિકારીશ્રીઓ પાસેથી પોતાના લગત વિસ્તાર માટે  પરવાનગી મેળવી શકાશે તેમ ચૂંટણી અધિકારી ૧૨-જામનગર સંસદીય મત વિસ્તાર અને કલેકટરશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.(૨૧.૫)

(9:35 am IST)