સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th February 2021

કાલે જુનાગઢમાં બે વોર્ડની એક-એક બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન

વોર્ડ નં.૬ અને ૧પનાં ૩૧,પ૬૧ મતદારો મતદાન કરશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૦:  કાલે જુનાગઢના બે વોર્ડની એક-એક બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થશે. જે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

વોર્ડ નં. ૬ અને ૧પ ની ખાલી પડેલ એક-એક બેઠકની પેટા ચૂંટણી માટે રવિવારે સવારનાં ૭ થી સાંજના ૬ સુધી મતદાન થશે.

વોર્ડ નં. ૬ ની એક બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક-એક મળી કુલ પાંચ ઉમેદવારો મેદાનમાં છે.

જયારે વોર્ડ નં. ૧પની એક બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ-૧ અને એન.સી.પી.નાં એક મળી કુલ ૪ ઉમેદવારો ચુંટણી જંગ લડી રહ્યા છે.

ગઇકાલે સાંજે જાહેર પ્રચાર બંધ થતા આજે સવારથી ઉમેદવારો તેમજ તેમના સમર્થકો વગેરેઅ મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક શરૂ કર્યો છે.

વોર્ડ નં. ૬માં ૭,૬ર૧ પુરૂષ તથા ૭૧૩પ સ્ત્રી મતદાર મળી કુલ ૧૪,૭પ૬ મતદારો નોંધાયા છે જયારે વોર્ડ નં. ૧પમાં ૮૬૩ર પુરૂષ તથા ૮,૧૬૭ સ્ત્રી અને ત્રીજી જાતિનાં ૬ મળી કુલ ૧૬૮૦પ મતદારો છે.

આમ બંને વોર્ડમાં મળી ૧૬રપ૩ પુરૂષ, ૧પ૩૦ર સ્ત્રી અને ત્રીજી જાતિના ૬ મળી કુલ ૩૧,પ૬૧ મતદારો તેમના મતાીધકારોનો ઉપયોગ કરશે.

રવિવારે મતદાન પૂર્ણ થયા બાદ મંગળવારે મતગણતરી થશે. આ પેટા ચૂંટણીને લઇ કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શનમાં અધિક કલેકટર શ્રી બારીઆ, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા વગેરેએ મતદાર પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરેલ છે.

મતદાન દરમ્યાન કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા માટે ડીઆઇજી મન્નીદર પ્રતાપસિંહ પવારની સુચનાથી એસ.પી. રવિ તેજા વાસમ સેટી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા જૂનાગઢ શહેરની પેટા ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ શહેરમાં ખાસ કરીને વોર્ડ નં. ૧૫ મા કોઈ અસામાજિક તત્વો દ્વારા ગરબડી કરવામાં ના આવે તે માટે  વોર્ડ નં. ૧૫ ના સંવેદનશીલ મતદાન મથક જેવા કે, આંબેડકર નગર સ્કૂલ, કોમર્સ કોલેજ, ખાડિયા કેપીએસ ગૌડા સ્કૂલ, લિરબાઈપરા, જેવા વિસ્તારમાં ખાસ પોલીસ સબ ઇન્સ તેમજ હથિયાર ધારી પોલીસ તેમજ એસઆરપી ખાસ ગોઠવવામાં આવેલ છે. આ વિસ્તારમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આર.વી.ડામોર, એચ.એસ.રતનું સહિત ત્રણ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સુપરવિઝન સોંપવામાં આવેલ છે તેમજ રાઉન્ડ ધ કલોક મોબાઈલ પેટ્રોલિંગ પણ ગોઠવવામ આવેલ છે.  પેટા ચૂંટણીના બંદોબસ્ત માટે કુલ ડીવાયએસપી ૦૩, પીઆઇ ૦૫, પીએસઆઇ ૧૭, પોલીસ ૨૦૫, હોમગાર્ડ ૨૨૦, સહિત આશરે ૨૫ પોલીસ અધિકારીઓ તથા ૫૦૦ જેટલા પોલોસ હોમગાર્ડ જવાનો તેમજ એક કંપની એસઆરપી તૈનાત કરવામાં આવેલ છે. ઉપરાંત, આ વિસ્તારમાં સુપર કોપ બાઇક ઉપર પણ હથિયાર સાથેના પોલીસ જવાનોનું સઘન પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલ છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પીઆઇ આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, સહિતના અધિકારીઓને પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ નજર રાખવા તૈનાત કરવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનોને ખાનગી ડ્રેસમાં સમગ્ર વિસ્તારમાં પાથરી દેવામાં આવેલ છે.

(12:42 pm IST)