સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th February 2020

સોમનાથ શિવરાત્રી બંદોબસ્તઃ પીઆઇ જી.એમ. રાઠવા કહે છે કે

આતંકીઓ જ નહિ 'ખૂંટિયા'ઓના ત્રાસથી પણ લોકોને બચાવવા આયોજન

નગરપાલિકા પાસે ર૦ શખ્સોની મદદ માંગીઃ અનેરા આકર્ષણ

પ્રભાસ પાટણ તા. ર૦ :.. સોમનાથ મંદિર ઉપરાંત પ્રભાસ - પાટણ શહેર સીટી પોલીસ પણ દેવાધિદેવના મહાપર્વ મહાશિવરાત્રી બંદોબસ્ત અંગે સજ્જ બની છે. પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ. જી. એમ. રાઠવાના જણાવ્યા મુજબ એ. એસ. પી.ના માર્ગદર્શન મુજબ એક પી. આઇ., ર પીએસઆઇ, ૪૯ પોલીસ જવાનો, ટ્રાફીક બ્રીગેડના ૧૬ જવાનો અને હોમગાર્ડના ૧૮ જવાનો વોકીટોકી ૧૩ ડોર મેટલ ડીટેકટર પ સાથે બંદોબસ્તમાં રહેશે.

અવધુતેશ્વર મંદિરથી ત્રિવેણી ઘાટ, સોમનાથ મંદિર પાછળ વોક-વે ઝોન, ચોપાટી ઉપર સતત પેટ્રોલીંગ કરતા રહેશે. ગુડલક - સર્કલથી પ્રજાપતિ વાડી સુધીનો પાર્કીંગ ઝોન અમલ અને વિશેષતો નગરપાલિકા પાસે ર૦ માણસોની ટીમ માગવામાં આવી છે જે સોમનાથ જતા રસ્તે મંદિર આસપાસ રઝળતાં યાત્રાળુ કે ટ્રાફીકને કનડતાં ઢોર - ખૂંટીયાઓને દૂર કરશે.

સોમનાથની ચોપાટી ઉપર આ વરસે અને ઇતિહાસમાં પ્રથમવાર જ 'વંશાવલી' નો સ્ટોલ મહાશિવરાત્રીએ આખો દિવસ ચાલશે જેમાં અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ-સંર્વધન અંગેના બારોટો ઉપસ્થિત રહી વંશાવલીના ગ્રંથોનું પૂજન કરશે અને પૂર્વજોને શ્રધ્ધાંજલી આપશે અને એ જ સ્થળે વંશ પુરોહિત બારોટ લાઇવ ચર્ચા કરી શિવરાત્રીનાં આવનાર લોકોને શકય તેટલી પૂર્વજોની માહિતી આપશે અને જે લોકોને તેના પૂર્વજોનું નામ બારોટને ચોપડે નથી તેને પણ માર્ગદર્શન આપશે પરંપરાગતની આ માહિતી ત્રણ દિવસ ચાલુ રહેશે.

સોમનાથ મંદિર પરિસર કે કાર્યકમ સ્થળે વિશાળ રંગોલી અંકિત કરાશે તેમજ ચિત્રકલાનું લાઇવ પ્રર્દશન યોજાશે.

મહાશિવરાત્રીએ રાત્રીના ૧૦.૩૦ વાગ્યે ગુજરાતી સુગમ સંગીતના દિગ્ગજ કલાકારો શ્યામલ - શૌમીલ મુન્શીનો શિવવંદના સ્વર કાર્યક્રમ યોજાયેલ છે.  શિવરાત્રી પર્વ દરમ્યાન મંદિરના સ્થંભો - તોરણો અને અન્ય સ્થળોએ ફુલોનો વિશેષ શણગારથી સુશોભિત કરાશે અને શિવરાત્રીની સંધ્યાએ સાંજે સાત વાગ્યાની આરતીમાં મરાઠી મ્યુઝીક બેન્ડ સુરાવલીઓ સાથે આરતીમાં જોડાશે.

સોમનાથ દર્શનાર્થી - ભાવિકો -યાત્રીકો સોમનાથની જુદી જુદી એપ દ્વારા એન્ડ્રોઇ મોબાઇલ ફોનથી ફેસબુક, ટવીટર, વેબસાઇટ ઇન્સ્ટ્રાગામ, લાઇવ દર્શન સહિત સોશ્યલ મીડીયામાં જોડાય તે માટે સોમનાથ ટ્રસ્ટનો એક ખાસ સ્ટોલ લગેજ રૂમ,  પાસે નવનિર્માણ થનાર કેમેરા કક્ષ સ્થળે રાખવામાં આવ્યો છે જે સ્થળે કર્મચારીઓ લોકોને સોશ્યલ મીડીયામાં જોડી આપશે.

(9:52 am IST)