સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસની ચરમસીમાઃ વિજયભાઇ રૂપાણી

જુનાગઢ, સાસણ અને કેશોદમાં વિકાસકાર્યોનું ખાતમુહુર્તઃ જવાહરભાઇ ચાવડા, જયેશભાઇ રાદડીયા, કંુવરજીભાઇ બાવળીયા, ધીરૂભાઇ ગોહેલ સહીતના ઉપસ્થિત

જુનાગઢઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે સોરઠમાં વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. 'કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ કાર્યોની ચરમસીમાં જોવા મળી છે.' તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જુનાગઢ, સાસણ અને કેશોદના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે, કોરોના મહામારીમાં અનેક રાજયોનો વિકાસ સ્થગીત થઇ ગયો હતો. જયારે ગુજરાતમાં સતત વિકાસ કાર્યો થઇ રહ્યા છે. લોકોને લાઇટ, પાણી, રસ્તા સહિતની સુવિધાઓ મળે તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે.

આજે સવારથી રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સૌરાષ્ટ્ર, સોરઠ, દેવભૂમિના પ્રવાસે છે. તેઓના આ પ્રવાસનો પ્રારંભ સવારે ભગવાન દ્વારકાધીશના સાંનિધ્યેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતેથી થયો હતો.

મુખ્યમંત્રી શ્રી રૂપાણી બપોરના જુનાગઢ આવેલ છે. અહીં તેઓ શહેરમાં બીલખા રોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ આયોજિત સમારોહમાં જુનાગઢ શહેરની રૂ. ૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું અને પ્રવાસન વિભાગના રૂ. ૩ર કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીની સાથે આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, સંસદ સભ્યો રમેશભાઇ ઘડુક, રાજેશભાઇ ચુડાસમા, મેયર ધીરૂભાઇ ગોહેલ, તેમજ ધારાસભ્યો દેવાભાઇ માલમ તથા ભીખાભાઇ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જુનાગઢ ખાતેના મુખ્યમંત્રી શ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં આયોજીત ખાતમુર્હુત કાર્યક્રમ વેળાએ કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ ખડેપગે રહેલ હતા.

જુનાગઢ બાદ કેશોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રૂ. ર૦.પ૩ કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત કરવામાં આવેલ.

તેમજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પ૦ લાખ લાભાર્થીઓનો સમાવેશ સંદર્ભે રાજયના ૧૦૧ તાલુકામાં આયોજીત સામૂહિક અભિવાદન કાર્યક્રમમાં વર્ચ્યુલર હાજરી આપી હતી.

જુનાગઢ તેમજ કેશોદના આજના મુખ્યમંત્રી શ્રી રૂપાણીના પ્રવાસ દરમ્યાન તેઓની સલામતી માટે અને કાયદો વ્યવસ્થા ઉપરાંત ટ્રાફીક નિયમન માટે ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ   પવારના માર્ગદર્શન હેઠળ એસ.પી. રવિ તેજાવાસમસેટ્ટી તેમજ એએસપી અને પ્રદીપસિંહ જાડેજા સહિત ૬ ડીવાયએસપી , ૧૦ પીઆઇ, પ૦ પીએસઆઇ અને પ૦૦ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

(3:45 pm IST)