સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

પ્રવાસન ઉદ્યોગથી ઇકોનોમીને મોટો ફાયદો થશેઃ વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનેઃ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ખાતમુહુર્ત

દ્વારકા : શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ધન્યતા અનુભવી હતી  અને પાદુકા પૂજન કર્યુ હતું. જે પ્રથમ ઉપરની બંન્ને તસ્વીરોમાં નજરે પડે છે. નીચેની તસ્વીરોમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું દ્વારકા અને શિવરાજપૂર ખાતે સ્વાગત કરાયુ તે નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૨૦: દેવભુમી દ્વારકા જીલ્લાના પ્રવાસે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ  રૂપાણી આવ્યા હતા અને શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે શિવરાજપુર બીચ ખાતે વિવિધ વિકાસકાર્યોનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં કહયું છે નવી ટુરીઝમ પોલીસીના કારણે પ્રવાસક્ષેત્રે ખુબ જ વિકાસ થઇ રહયો છે અને તેના કારણે ગુજરાતના ઇકોનોમીને મોટો ફાયદો થશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજય પ્રાકૃતિક અને ભૌગોલીક રીતે અનેક વિસ્તારોમાં ફેલાયેલું છે. જેના લાભ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને ખુબ જ મોટા પ્રમાણમાં મળશે.

દ્વારકાના શિવરાજપુર બીચને બ્લુબીચની માન્યતા પ્રાપ્ત થતા, અહી બ્લુ ફલેગ લહેરાવવામાં આવ્યો હતો. અને આજ તો.૨૦.૦૧.૨૧ ના રોજ ફેઝ ૧ અંતર્ગત રૂપિયા વીશ કરોડના ખાતે પ્રવાસી સુવિધાની કામગીરીનું ખાતમુહૂર્ત વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કામગીરી ત્રણ ફેઝમાં કરવામાં આવશે.

   આજના પ્રથમ ફેઝમાં ૨૦ કરોડના ખર્ચે અરાઇવલ પ્લાઝા, ઇન્ટરવેશન સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથવે, સાઇનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઇલેટ બ્લોક, ઇલેકિટ્રક વર્ક, અંડરગ્રાઉન્ડ ટેંક સહિતની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે. દ્વારકાથી ૧૧ કિલોમીટર દુર આવેલા શિવરાજપુર ખાતે સુંદર તથા કુદરતી પર્યાવરણથી લોકો મંત્રમુગ્ધ થઈ અહી ખાસી ભીડ રહે છે. ભારતના આઠ બ્લુ ફલેગ બીચ પૈકી ગુજરાત નો એક માત્ર શિવરાજપુર બીચને માન્યતા મલી છે.

  આજ શિવરાજપુર ખાતે ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા, પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ પૂનમબેન માડમ, ટુરિઝમ સેક્રેટરી શ્રીમતિ મમતાબેન વર્મા, પ્રવાસન વિભાગના એમડી જેનુ દિવાન, કલેકટર નરેન્દ્ર કુમાર મીના તથા પ્રવાસન વિભાગ સાથે સંકળાયેલા અધીકારી તથા લોકો હાજર રહ્યા હતા.

(3:44 pm IST)