સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

જેતપુરમાં બિમારીથી કંટાળીને ૬૦ વર્ષના મુસ્લિમ આધેડે હથિયારથી હાથની નસ કાપીને પૂલ ઉપરથી ઝંપલાવી આપઘાત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૨૦ :. શહેરના ફુલવાડી નગીના મસ્જીદ વિસ્તારમાં  રહેતા રહીમભાઈ વડગામાના ભાઈએ બિમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી પોલીસે મૃતદેહને પી.એમ. કરવા કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસા ગામે રહેતા ઈસ્માઈલભાઈ ગફારભાઈ વડગામા (ઉ.વ. ૬૦)વાળા ૩ દિવસ પહેલા રાજકોટ તેના કામ સબબ ગયેલ હોય ત્યાંથી ગઈકાલે અત્રેના ફુલવાડી નગીના મસ્જીદ વિસ્તારમાં રહેતા તેના ભાઈ રહીમભાઈના ઘેર મીલાદ હોય સાંજે આવેલ. મોડી રાત સુધી તેમના પરિવારજનો સાથે બેસી ચર્ચા કરેલ. આજે સવારે ભાદરના પૂલ પરથી કોઈ અજાણી વ્યકિતએ પડતુ મુકી આત્મહત્યા કરેલ હોવાની ચર્ચા ઉઠતા ઈસ્માઈલભાઈ ઘેર ન હોય શંકાના આધારે તેમના પરિવારજનોએ તપાસ કરતા ઈસ્માઈલભાઈએ આત્મહત્યા કરેલ હોવાનું જાણ વા મળેલ. આ બનાવની જાણ પોલીસમાં કરતા ફાયર બ્રિગેડની ટીમ બનાવના સ્થળે પહોંચી ગયેલ. લાશને શોધવા સામાજીક કાર્યકર હારૂનભાઈ રફાઈ તથા તેની ટીમે પાણીમાં ઉતરી શોધખોળ કરતા નદીમાંથી લાશ મળી આવેલ. પોલીસે મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી બનાવનુ કારણ જાણવા પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળેલ કે ઈસ્માઈલભાઈને છેલ્લા ઘણા સમયથી બિમારી હોય તેનાથી કંટાળી જઈ ગત મોડી રાત્રે ઘેરથી રાતના તિક્ષ્ણ હથીયાર વડે હાથની નસ કાપી લોહી નીકળતી હાલતમાં ભાદરના પૂલ પરથી પડતુ મુકી આપઘાત કરી લીધેલ.

ઈસ્માઈલભાઈએ મોડાસા રહેતા અને પરચુરણ કામ કરી ગુજરાન ચલાવતા તેના પરિવારમાં ૧ પુત્ર અને ૪ ભાઈઓ છે. પૂલ પર લોહી પડેલ હોય સવારથી કોઈની હત્યા થઈ હોવાની અફવા જાગી હતી. સમગ્ર તપાસ પોલીસે હાથ ધરેલ છે.

(2:50 pm IST)