સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

જૂનાગઢમાં જેલ સામે જુના મનદુઃખથી બે જુથનો સામસામો હુમલોઃ વાહનને નુકશાન

પોલીસ દ્વારા બંને જુથનાં ૬ શખ્સો સામે કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૦: જુનાગઢમાં જેલ સામે જ જુના મનદુઃખથી બે જુથે સામસામો હુમલો કરી વાહનને નુકશાન પહોંચાડતા સનસનાટી મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢ ખાતે મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અબ્દુલભાઇ મુસાભાઇ પલેજા (ઉ.વ.૪૩) વગેરે ગઇકાલે ખુન કેસમાં બંદીવાન ઇબ્રાહીમભાઇ પલેજાને મળવા અહિંની જેલ ખાતે ગયા હતા.

પરંતુ જેલ સામેના રોડ પર વંથલીના સોનારડી ગામના ઇલ્યાસ જાફરભાઇ પલેજા, મકબુલ દીલાવર અને ઇરફાન હાસમ ઉર્ફે કારો પઠોજા એકયુવી ફોર વ્હીલમાં ઘસી આવ્યા હતા. અને જુના મનદુઃખથી તુટી પડયા હતા. આડેધડ માર મારીને ઇજા પહોંચાડી હતી.

સામા પક્ષે સોનારડીના ઇલીયાસ જાફરભાઇ પલેજા (ઉ.વ.૨૪) અને અન્ય ઉપર અબ્દુલ અને સાહિદ નામનાં શખ્સે જુની અદાવતના કારણે પાઇપ વડે હુમલો કર્યો હતો.

તેમ જ જીજે-૨૫-જે-૩૨૩૩ નંબરના વાહનનો કાચ તોડી નાંખીને નુકશાન પહોંચાડુ હતું.

આ બનાવના પગલે એ ડીવીઝનને પોલીસ કાફલો ઘસી ગયો હતો અને બંને જૂથની સામસામી ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ. આઇ. એસ. એન. સગારકા ચલાવી રહ્યા છે.

(12:54 pm IST)