સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

આગામી નવા સત્રથી SGVP ગુરુકુલ દ્રોણેશ્વર સંચાલિત કન્યા વિદ્યાલયમાં ભણતી ૫૦૦ કન્યાઓ માટે અરધી ફી માફ કરવામાં આવી.

ઉના તા. ૨૦ ઉના પાસે, મચ્છુન્દ્રી નદીના કિનારે, જેની પાંડવગુરુ દ્રોણાચાર્યે મહાદેવજીની પ્રતિષ્ઠા કરી છે,  જેના મસ્તક પર સતત જલધારા વહી રહી છે તે દ્રોણેશ્વર મહાદેવની સમીપમાં અને મારુતિધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં, SGVP ગુરુકુલ દ્રોણેશ્વર સંચાલિત માતુશ્રી આર.ડી.વરસાણી કુમાર અને કન્યા વિદ્યાલય આવેલ છે.

સંસ્થાના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને માર્ગદર્શક પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી છે. સહાયક તરીકે ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામી, પુજારી હરિદર્શનદાસજી સ્વામી  અને હરિપ્રિયદાસજી સ્વામી સેવા બજાવે છે.

આ વિદ્યાલયમાં ધો ૧ થી ૧૨ સુધીના ગુજરાતી માધ્યમમાં ૮૦૦ કુમારો અને ૫૦૦ કન્યાઓ મળી ૧૩૦૦ છાત્રો માતુશ્રી આર.ડી.વરસાણી કુમાર અને કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.

સંસ્થાની ફરતે મચ્છુન્દ્રી ડેમ, દ્રોણેશ્વર મહાદેવ, કષ્ઠભંજન દેવ હનુમાનજી મહારાજ, મચ્છુન્દ્રી નદી, પહાડોની હારમાળા અને જંગલ દ્રષ્ટિગોચર થાય છે. કુદરતના ખોળે પાંગરતા પ્રાચીન ગુરુકુલના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી આ સંસ્થામાં પોતાનું છાત્રાલય છે જેમાં ગામડાંના ૧૭૫ વિદ્યાર્થીઓ રહે છે.

શાળાના પ્રિન્સીપાલ તરીકે મહેશભાઇ જોષી નિષ્ઠાપૂર્વક સેવા બજાવે છે. જ્યાં દરરોજ સિંહ ફરતા હોય છે એવા મધ્ય ગીર વિસ્તારના ૪૮ ગામોના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સંસ્કાર સભર અભ્યાસનો લાભ લે છે. આવવા જવા માટે સંસ્થા પાસે બસની વ્યવસ્થા છે.

ગ્રામ્ય વિસ્તારમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કન્યાઓને નજીવી ફીમાં ભણાવવામાં આવે છે. તેમાં પણ ૩૫ જેટલી આર્થિક નબળાઇવાળા ઘરની કન્યાઓ સંપૂર્ણપણે  ફ્રી ઓફ ચાર્જમાં અભ્યાસ કરે છે.

ચાલુ શૈક્ષણિક વરસે કોરોના મહામારીને કારણે સંસ્થાના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા  ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી અને વિદ્યાલયમાં વિદ્યાભ્યાસ કરતી કન્યાઓ માટે ૫૦ ટકા ફી માફ કરવામાં આવી છે.

આ ઉપરાંત SGVP ગુરુકુલ દ્વારા ગરીબ અને ઉચ્ચ અભ્યાસ કરતી બહેનોને પણ સ્કોલરશીપ આપવામાં આવે છે.

દર વરસે ગુજરાત સરકાર દ્વારા યોજાતા ખેલ મહાકુંભમાં પણ બહેનો ભાગ લે છે. શાળામાં ભણતી અનેક કન્યાઓ અને વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને વ્યસન મુક્ત કરેલ છે.

શાળામાં કન્યાઓ ભરત ગુંથણ, સમૂહ ગીતો, લગ્નગીતો ઉપરાંત ચિત્રકલા, વક્તૃત્વ હરિફાઇ, સંગીત હરિફાઇ, નિબંધ સ્પર્ધા, કાવ્યલેખન, હસ્તલિખિત ગ્રન્થ, લોક વાર્તા, વગેરેની હરિફાઇમાં ભાગ લે છે.

ગીરગઢડા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં શાળાના ૯૦૦ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ૨૦૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જીલ્લા કક્ષાએ વિજેતા થયેલ છે 

શાળામાં બાળકોને શિક્ષણની સાથે યોગાસન, કરાટે, લેઝીમ, ડંબેલ્સ, વગેરે શીખવાડાય છે. શાળાના તમામ કલાસ સ્માર્ટ ક્લાસ છે.

કુમારો અને કન્યાઓ ઇતર પ્રવૃતિમાં, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને વૃદ્ધાશ્રમની મુલાકાત પણ લે છે.

 ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા તહેવારોમાં જળઝીલણી એકાદશી, હનુમાન જયંતી, દિપાવલી, જન્માષ્ટમી, હોલિકા-રાવણ દહન વગેરે ઉત્સવો ઉજવાય છે.

(12:06 pm IST)