સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા વોટરશેડ પ્રોજેકટ અંતર્ગત પ્રેરણા પ્રવાસ યોજાયો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૦ : પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા, જસદણ અને વિછીયા તાલુકામાં, છેલ્લા ૩૦ વર્ષથી જળ, જમીન, જંગલ જાળવણી અને સંવર્ધનની કામગીરી કરવામાં આવી રહી છે. જસદણ વિસ્તાર અર્ધ-સુકા વિસ્તારની કેટેગેરીમાં આવતો વિસ્તાર છે. ખાસ પ્રકારની ભૂરચનાને કારણે, વરસાદી પાણી, જમીનમાં વધારે સંગ્રહી શકાતું નથી. પર્વતીય વિસ્તારના કારણે, જમીનના ઉપરના સ્તર પર પણ પાણી વધારે સંગ્રહી શકાતું નથી. આ ઉપરાંત વૃક્ષોનું ઓછું થતું પ્રમાણ, રસ-કસ વિનાની જમીન, ઘાસિયા મેદાનોમાં ઘાસ ઓછા થવા, વિપરિત પાક પદ્ઘતિ, જેવી અનેક માનવસર્જિત સમસ્યાઓના કારણે પીવાના અને ખેતીના પાણીની અછત દિન-પ્રતિદિન વધતી જાય છે. કોઈ પણ સમસ્યાનું સમાધાન વિજ્ઞાન અને સુવ્યવસ્થિત આયોજન પાસે હોય છે. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા, પાણીના જાણકાર શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોની ટીમ અને સુવ્યવસ્થિત આયોજન દ્વારા, જસદણ-વિછીયા બ્લોકમાં પાણીની સમસ્યાને વિજ્ઞાન-આયોજન અને લોકભાગીદારી દ્વારા, લાંબાગાળા માટે, વોટરશેડ પ્રોજેકટ દ્વારા સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. નાબાર્ડ એજન્સીના આર્થિક સહયોગથી અને રિલાયન્સ ફાઉન્ડેશન ના ઘ્લ્ય્ થકી વોટરશેડ પ્રોજેકટમાં છેલ્લા એક વર્ષથી પાણી રોકવાના અને રીચાર્જ કરવાના તથા પાણી વ્યવસ્થાના કાર્યક્રમ ચાલુ છે.

આ અંતર્ગત લોકો વિશેષ સ્થળની મુલાકાત લઇ અને વિશેષ માર્ગદર્શન પ્રેરણા મળે તે માટે ભારતના રોલ મોડેલ વિલેજ રાલેગણ સિદ્ઘી, હિવરે બજાર અને વોટર સંસ્થાની મુલાકાત માટે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જયાં લોકોએ વૈજ્ઞાનિક સિંધ્ધાતથી બનેલા વોટરશેડ સ્ટ્રકચરનો અભ્યાસ કર્યો હતો સાથે લોકભાગીદારી અભિગમ, શ્રમદાન ,પાણી સમિતિની રચના, પાણી વ્યવસ્થામાં પંચાયતની ભૂમિકા વગરે વિષયનો રૂબરૂ મુલાકાત લઈ અને સમજણ કેળવી હતી પ્રોજેકટ અંતર્ગત સોમલપર, ફૂલઝર, નાની લાખાવડ, પોલારપર, હડમતીયા ગામનો સમાવેશ થાય છે.

આ પ્રેરણા પ્રવાસમાં પાંચ ગામના વિલેજ વોટરશેડ કમિટીના સભ્યો, મહિલાઓ, સરપંચો એ ભાગ લીધો હતો. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના રીટાબેન વોરા, નીતિન અગ્રાવત, શૈલેશ બેરાણી અરજણ સાકરિયાએ પ્રવાસને સફળ બનાવવા માટે જહેમત ઉપાડી હતી.

(11:53 am IST)