સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

ભાવનગરઃ ઘોઘા રોડ ઉપર થયેલ મારામારીના કેસમાં ત્રણ સગાભાઇઓને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

સામા પક્ષે ક્રોસ કેસમાં આરોપીને દંડ ફટકારતી અદાલત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૦ : ચારેક વર્ષ પૂર્વ ઘોઘા રોડ ઉપર થયેલી મારામારી કેસમાં ત્રણ આરોપી સામે કેસ ચાલી જતા ડીસ્ટ્રીકટ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

આ કામના ફરીયાદી જયપાલસિંહ ગોહિલ (રહે. ઘોઘા રોડ, જકાતનાકા, શિવાજી સર્કલ, ભાવનગર) ગત તા.૯/પ/૧૬ ના રોજ તેમના ભુતેશ્વર ગામે મેલડીમાના મંદિરે લોક ડાયરો હોય સાંજના સુમારે મોટરસાઇકલ લઇને ઘરેથી નીકળ્યા હતા. અગાઉ નકકી થયા મુજબ તેમના મીત્રને લેવા તેના ઘરે ગયેલા અને ત્યાંથી તેને લઇને શિવાજી સર્કલ ખાતે પેટ્રોલ સામે તેમના અન્ય મિત્ર હાજર હોય તેણે ફરીયાદીને ઉભા રાખી પુછેલ કે જાવ છો જેથી ફરીયાદીએ તેનું મુળ ગામ ભુતેશ્વર હોય આથી ચાલ તારે સાથે ડાયરામાંં આવવુ હોય તેમ કહેતા તેમના મીત્ર પણ બાઇક પર બેસી ગયેલ અને અન્ય મીત્રો ડાયરામાં ગયા અને બાદમાં હુમલો કર્યો હતો.

આ બનાવ અંગે ફરીયાદી જયપાલસિંહ ગોહિલે આ કામના આરોપીઓ (૧) અનિલભાઇ પાંચાભાઇ સરવૈયા/ કોળી ઉ.૪પ (ર) અશ્વીનભાઇ વિનુભાઇ સરવૈયા/કોળી ઉ.ર૮ (૩) રાજેશભાઇ વિનુભાઇ સરવૈયા/કોળી ઉ.ર૭ (૪) જયેશભાઇ વિનુભાઇ સરવૈયા/કોળી ઉ.ર૩ (રહે. તમામ સરદારનગર લંબેહનુમાન પાછળ, મફતનગર સરકારી શાળાનીસામે ભાવનગર) સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ઇપીકો કમલ ૩૦૭, ૩ર૬, ૩રપ, પ૦૪, ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય જીલ્લા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, મૌખીક પુરાવા-૧ર, દસ્તાવેજી પુરાવા ૧૯, વિગેરે ધ્યાને રાખી આરોપી નં. ર અશ્વિન વિનુભાઇ સરવૈયા/કોળી નં. ૩ રાજેશ વિનુભાઇ સરવૈયા / કોળી નં.૪ જયેશ વિનુભાઇ સરવૈયા/કોળી સામે ઇપીકો કલમ ૩ર૬ મુજબનો ગુનો સાબિત માની ત્રણેય આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. પાંચ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ૧પ દિવસની કેદની સજા, ઇપીકો કલમ ૩ર૩ મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને ૬ માસની કેદની સજા તથા રોકડા રૂ. એક હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ૭ દિવસની સજા અદાલતે ફટકારી હતી.

જયારે આ સામસામી મારામારીની ક્રોસ ફરીયાદમાં ફરીયાદી જયેશભાઇ વિનુભાઇ સરવૈયાએ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, તેમના ઘરની સામેના ચોકમાં એક બાઇક ઉપર આવેલા (૧) જયપાલસિંહ મહિપતસિંહ ગોહિલ (ર) હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ (૩) દિગ્વીજયસિંહ મહિપતસિંહ ગોહિલ (૪) નરેશ રામજીભાઇ કંટારીયા સહિતનાઓએ  ફરીયાદી ઉપર હમલો કર્યો હતો. આ બનાવનું મુળ કારણ ફરીયાદીના કાકા અનિલભાઇની દિકરીને જયપાલસિંહ હેરાન કરતો હતો જેથી લડાઇ ઝઘડો થયો હતો આ બનાવની ફરીયાદી જયેશ વિનુભાઇ સરવૈયાએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ઉકત શખ્સો સામે ઇપીકો કલમ ૩ર૩, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા ડીસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીએ સરકારી વકીલ બી.કે. વોરાની દલીલો મૌખીક પુરાવા-૯, દસ્તાવેજી પુરાવા-૧૪, વિગેરે ધ્યાને લઇ આ કામના મુખ્ય આરોપી જયપાલસિંહ મહિપતસિંહ ગોહિલ સામે ઇપીકો કલમ ૩ર૩ મુજબનો ગુનો સાબિત માની રૂ. પાંચ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા ઇપીકો કલમ ૩૩૭ મુજબના ગુના સબબ રૂ. પાંચ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા અદાલતે ફટકારી હતી.

(11:49 am IST)