સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

જૂનાગઢ મહાનગરપાલિકાના આગામી બજેટમાં એક પણ રૂપિયાનો ટેક્ષ નહીં વધારવાની માંગણી કરતા પૂર્વ કોર્પોરેટર મુકેશભાઇ

કોરોના મહામારી અને કારમી મંદીને ધ્યાને રાખી વિકાસ કામો માટે લોકોના અભિપ્રાય મેળવવા કમીટીની રચના કરવા સ્વચ્છતા અભિયાન : માટે અલગ બજેટ બનાવવા, તળાવો ઉંડા કરવા યુવાનો માટે જીમ સ્વીમીંગ પુલ બનાવવા વગેરે મ્યુનિ. કમિશ્નરને સૂચનો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૦ : મહાનગરપાલિકાના આગામી બજેટને પ્રજાલક્ષી બનાવવાની માંગણી પુર્વ કોર્પોરેટર મુકેશભાઇ ધોળકીયાએ કરીને એકપણ રૂપિયાનો ટેક્ષ આજની આ કોરોનાની મહામારી અને કારમી મંદીની મહામારીમાં નહિ વધારવા તથા આગામી બજેટમાં શહેરના વિકાસના કામો માટે શહેરના જાગૃત લોકોનો અભિપ્રાય મેળવવા ખાસ કમિટી રચવા સહિત વિવિધ સુચકો મનપા. કમિશ્નરને કર્યા છે.

તેઓએ આગામી બજેટની અંદર શહેરમાં જૂદા જૂદા વિસ્તારોમાં ફાયર સ્ટેશન બનાવવા માટેનો બજેટમાં સમાવેશ કરવા, કેન્દ્રસરકારમાં રજૂ થતા રેલ્વેના બજેટની જેમ જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા અભિયાન માટે અલગ બજેટ તૈયાર કરવા, સફાઇ કામદારોની મોટી સંખ્યામાં ભરતી કરવા બજેટમાં નાણાકીય જોગવાઇ કરવા તેમજ તળાવો ઉંડા કરવા તથા શાકમાર્કેટ અને યુવાનો માટે જીમ સેન્ટર, સ્વીમીંગ પુલ બનાવવા સુચનો કરેલ છે.

પૂર્વ કોર્પોરેટર મુકેશભાઇ ધોળકીયાએ કમિશ્નરશ્રીને જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારી અને કારમી મંદીના મારમાં અને મોંઘવારીની મહામારી વચ્ચે એક પણ રૂપિયાનો ટેકસ કોોઇપણ બાબતમાં વધારશો નહી તેવી ઉગ્ર લાગણી વ્યકત કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે રાજય સરકારની તિજોરી જીએસટી અને બેફામ ટેકસના વધારાના અને પેટ્રોલ ડીઝલમાં બેફામ શેષ નાખીને છલોછલ ભરેલી છે ધારાસભ્યો અને સાંસદોને મળતી વિકાસના કામો માટેની કરોડોની ગ્રાંટની રકમ પણ બંધ કરવામાં આવી છે ત્યારે રાજય સરકારમાંથી મોટી રકમની ગ્રાંટ મેળવીને જૂનાગઢ શહેરમાં વિકાસના કામ કરવામાં આવે તે જરૂરી છે.

આગામી બજેટની અંદર હાલની શહેરની ગંદકી અને ચારેતરફ કચરાના ઢગલાઓ અને સફાઇની કોન્ટ્રક સિસ્ટમ સામે સૂચન કરતા જણાવ્યુ હતુ કે શહેરને સ્વચ્છ રાખવા માટે ઓછામાં ઓછા વોર્ડ દીઠ ૨૦૦ સફાઇ કામદારો જોઇએ. તેની બદલે આખા જૂનાગઢમાં ૬૦૦ જેટલા કામદારો હાલ છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ કયારેય સ્વચ્છ થાય જ નહી માટે આ બજેટની અંદર ૧૦૦૦ જેટલા સફાઇ કર્મચારીઓની ભરતી કરવાનુ નાણાકીય બજેટ નાણાકીય બાબતનો બજેટમાં સમાવેશ કરવા સુચવવામાં આવ્યુ છે અને શહેરને ખરેખર સ્વચ્છ રાખવુ હોય તો મનપા દ્વારા કેન્દ્રમાં જેમ રેલ્વેનું બજેટ અલગ રજૂ કરાય છે તેમ શહેરની સ્વચ્છતાના માટે જૂદા જૂદા આધુનીકના સાધનો વસાવીને એકત્રીત થયેલા કચરાનો પણ યોગ્ય નિકાલ કરવાની માસ્ટર યોજના બનાવીને તેનુ અલગ બજેટ કોર્પોરેશનના ફલોર પર રજૂ કરવુ જોઇએ.

શહેર આજે પણ ફિલ્ટર વિનાનુ પાણી માત્ર ૪૫ ટકા લોકોને મળે છે કારણ કે લીમીટેડ વિસ્તારમાં જ પાણીની લાઇનો હયાત છે ત્યારે કયારે ? સમગ્ર જૂનાગઢને કયારે ફિલ્ટર થયેલ પાણી મળશે એ  મોટો પ્રશ્ન છે ત્યારે આગામી બજેટમાં પીવાના પાણી ઘરે ઘરે પહોચાડવા માટે માસ્ટર પ્લાન કરીને નાણાકીય સ્ત્રોતની જોગવાઇનો આ બજેટમાં સમાવેશ કરીને શહેરની પાણીની પ્યાસ બુઝાવી જોઇએ.

શહેરમાં જૂદા જૂદા પાંચ સ્થળે ફાયર સ્ટેશનોના ડેપો બનાવવાનો પણ આ બજેટમાં સમાવેશ કરવો જોઇએ. શહેર ટમટમયા લાઇટોથી એક ગામડા જેવુ લાગે છે ત્યારે શહેરમાં લાઇટોથી જળજળતું કરવા માટેનુ પણ ખાસ બજેટમાં સમાવેશ કરવો જોઇએ. ૨૦ વર્ષમાં હજુ એક પણ પ્રવૃતિ યુવકો માટે કરવામાં આવી નથી. યુવકો માટે જૂનાગઢ શહેરમાં ઓછામાં ઓછા ચાર સ્વીમીંગ પુલ હોવા જોઇએ અત્યારે સ્વિમીંગ પુલ બનાવવા માટે કેન્દ્ર સરકાર પણ સ્પેશ્યલ ગ્રાન્ટ આપે છે ત્યારે શાસકોએ શહેરના ચાર જૂદા જૂદા વિસ્તારમાં સ્વીમીંગ પુલ બનાવવા જોઇએ અને તેનો આ બજેટમાં સમાવેશ કરવો જોઇએ. આ રીતે જૂનાગઢ શહેરમાં ભવિષ્યના યુવાનો શારિરીક રીતે ખૂબ સમૃધ્ધ બને એટલા માટે ઓછામાં ઓછા પાંચ કે છ કસરતના સાધનો સાથે જિમ સેન્ટર બનાવવા જોઇએ. હાલની ભારે ટ્રાફીક વ્યવસ્થાનો એકદમ સરળ ઉકેલ માટે જૂદા જૂદા વિસ્તારમાં હોકર માર્કેટ બનાવવાની તાતી જરૂરિયાત છે. શહેરની અંદર રેકડીવાળા અને ફેરિયાવાળાને એક જ જગ્યાએ સારી સુવિધા સાથે વિનામુલ્યે પોતાનો વ્યવસાય કરી શકે તેવી હોકર માર્કેટનો પ્લાનીંગ આ બજેટમાં સમાવેશ કરવો જોઇએ તેવા સુચના કરેલ છે.

શહેરમાં પ જેટલા તળાવો છે ભવનાથ તળેટીમાં આવેલ સુદર્શન તળાવ દાતાર રોડ ઉપર આવેલ તળાવ ગિરનાર દરવાજા પાસે આવેલ તળાવ ઝાંઝરડા રોડ પાસે આવેલ તળાવ બધા તળાવની આ જ પરિસ્થિતિ શું છે? સાવ મફતના ખર્ચામાં આ તળાવો ઉંડા થઇ શકે એમ છે. આ તળાવના બ્યુટીફીકેશનના કામ કરવામાં આવે તો જૂનાગઢમાં કોઇપણ ટુરીસ્ટ માટે આવવુ જ પડે એવુ ડેસ્ટીનેશન છે. આ તળાવ ઉંડા થાય તો આજુબાજુનો પાણીયારો વિસ્તાર થઇ જાય તળાવો ઉંડા કરવાના કામનો બજેટમાં સમાવેશ કરવા મ્યુ.કમિશ્નરને રજૂઆતમાં સુચનો કરેલ છે.

ભુવા કન્યા વિદ્યામંદિર દ્વારા વિવિધ સ્પર્ધા યોજાઇ

સ્વામી વિવેકાનંદજીના જીવન કવનમાંથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેમજ મકરસંક્રાંતિ નિમિતે ભારતીય ધરોહરથી બાળકો પરિચીત થાય તેવા શુભાશયથી શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યામંદિર જોષીપુરા દ્વારા બે દિવસ નિબંધ સ્પર્ધા અને પતંગોત્સવનું કોવીડ-૧૯ ગાઇડલાઇન મુજબ ઓનલાઇન આયોજન કરાયુ હતુ.

શાળાના એનએસએસ પ્રોગ્રામ ઓફીસર સુશ્રી પ્રકૃતિબેન શર્મા દ્વારા સમાજસુધારક સ્વામી વિવેકાનંદ વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધા તેમજ નિબંધસ્પર્ધા અને પતંગ ઉડાવતા હોય તેવી વિડીયો કલીપ શાળામાં મોકલવાની સ્પર્ધામાં શાળાની દિકરીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓ કુ.પારવાણી તુલસી અશોકભાઇ પ્રથમ, કુ.બરાત રિતુ કલ્પેશભાઇ દ્વિતીય તથા કુ.તલસાણિયા તન્વી જનકભાઇએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ હતુ. સ્પર્ધાઓને સફળ બનાવવા માટે શાળાના એનએસએસ પ્રોગ્રામ સહાયક એચ.પી.પોલરા અને સુશ્રી મનીષાબેન જાગાણી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

આવી પ્રેરક પ્રવૃતિ બદલ સંસ્થાના ચેરમેન મે.ટ્રસ્ટી જે.કે.ઠેસીયા જોઇન્ટ મે. ટ્રસ્ટી સુશ્રી મૃણાલીનીબેન ગોધાણી, કેમ્પસ ડાયરેકટર સી.પી.રાણપરીયા, શિક્ષણ નિયામક એસ.કે.વોરા, વહીવટી અધિકારી કે.પી.ગજેરા, પ્રિન્સીપાલ સુશ્રી જયશ્રીબેન રંગોલીયા, સુપરવાઇઝરશ્રીઓ એમ.ડી.ઠુમ્મર અને સુશ્રી હંસાબેન પટોળીયા સહિત સંસ્થાના ટ્રસ્ટીમંડળ અને સ્ટાફગણે વ્યકત કરીને અભિનંદન પાઠવ્યા હતા.

(10:30 am IST)