સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th January 2020

નખત્રાણાના ગામમાં વહેલી સવારે દીપડો ઘરમાં ઘુસ્યો : એક પશુનું મારણ કર્યું : ગામજનોમાં ભયનો માહોલ

ઘરનાં સભ્યો ભેંસને ચરાવવા ગયા હતા : ઘટનાનો વિડિઓ વાયરલ

કચ્છ : નખત્રાણાનાં એક ગામમાં વહેલી સવારે ઘરમાં દીપડો ઘુસી જતા ભયનો માહોલ છવાઇ ગયો હતો. સદનસીબે જ્યારે દીપડો ઘરમાં આવ્યો ત્યારે ઘરનાં સભ્યો ભેંસને ચરાવવા ગયા હતા. જેથી ઘરમાં કોઇ હતુ ન હતું. જોકે, દીપડો ઘરમાં ધૂસ્યાની જાણ ગામ લોકોને થતા તેમણે ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. મહત્વનું છે કે, આ દીપડો એક પશુનું મારણ કર્યા બાદ ઘરમાં ઘુસી ગયો હતો. જે બાદ વનવિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનાનો વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં દેખાતી ઘડિયાળ પ્રમાણે સવારનાં 6.35 કલાક થયા હતા. ત્યારે ઘરનાં લોકો ભેંસ ચરાવવા ગયા હતાં. આ દીપડાએ એક પશુનું મારણ પણ કર્યું હતું. જેના કારણે ગામ લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતાં. જોકે, આ અંગે વનવિભાગને જાણ કરાતા તેઓએ દીપડાને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. પહેલા તો ગામલોકોનાં ખેતરોમાં અને ગામનાં રસ્તા પર દીપડાની દહેશત રહેતી હતી. પરંતુ આજની ઘટના બાદ લોકો પોતાના ઘરમાં જતા પહેલા પણ ચેતી જાય છે.

(11:47 am IST)