સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

જામનગરમાં રંગમતી રીવરફ્રન્ટનાં કેનાલમાં પાઇપ-ગટરના કામમાં ગેરરીતી : કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર

જામનગર : આજે બાર વાગ્યે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર કરવા અંગે અને અધિકારીઓને પ્રોત્સાહન આપવા અંગે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

 જામનગર, તા. ૧૯ :  જામનગર કોર્પોરેશન દ્વારા રંગમતી રીવરફ્રન્ટના કેનાલમાં પાઇપ-ગટરના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે વિજીલન્સ તપાસ કરવા અને કેનાલની સાફ-સફાઇ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ કરીમભાઇ ખીલજીની આગેવાનીમાં સુત્રોચ્ચાર કરીને આક્રોશ ઠાલવ્યો હતો.

આ અગાઉ સામાન્ય સભામાં લેખિત તથા મૌખિક રજુઆતો કરેલ છે અને વિજીલીયન્સ મારફત તપાસ કરવાનું કહેલ છે. જેમાં જે-તે વખતે સામાન્ય સભામાં અધ્યક્ષશ્રી દ્વારા વિજીલીયન્સ મારફત તપાસ કરાવવાનું કહેલ પણ છતાં પણ હજી સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી.

અને છેલ્લા ચાર માસથી સતત ભૂગર્ભ શાખાના અધિકારીઓ અને સોલીડ વેસ્ટ શાખાના સફાઇ કામદારો દ્વારા કેનાલ ચાલુ કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ આ કેનાલ આખેઆખી ફેઇલ જ થઇ ગઇ છે. માટે તાત્કાલિક ધોરણે ત્યાં નવી કેનાલ બનાવવામાં નહિ આવે તેમજ કોન્ટ્રાકટી ઉપર તેમજ જે તે જવાબદાર અધિકારી ઉપર તાત્કાલિક પગલા લેવામાં નહિ આવે તો અમારે નાછુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર ને વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને ન્યાયપાલિકાના દ્વારા ખખડાવવાની પણ ફરજ પડશે. જેની તમામ જવાબદારી જામનગર મહાનગરપાલિકાની રહેશે. તેમ અંતમાં જણાવ્યું છે.

(3:53 pm IST)