સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ભુજમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી

ભુજ તા.૧૯ : આજે અહીં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજનના અધ્યક્ષપદે કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાદ્યેલા દ્વારા વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઇ હતી.

આ બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ રૂબરૂ પ્રશ્નોતરીમાં રજુઆત કરી હતી કે, સુરજબારીનું ટોલનાકું નિયમ પ્રમાણે સુસંગત જણાતું ન હોઇ વાહન ધારકો માટે આર્થિક ભારણ પણ વધારતું હોવાનું જણાવી આ ટોલનાકું બંધ કરવામાં આવે તે અંગેની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું તેમજ પડાણા, ખંભરા અને ગળપાદર જેવા માર્ગો ઉપર અકસ્માતોનું પ્રમાણ વધતું જતું રહે છે, તેને માનવતા અટકાવવા અને આ માર્ગ ઉપર સુચારૂ વાહન-વ્યવહારની સુવ્યવસ્થા ગોઠવવા અંગેની પણ રજુઆત કરી હતી.

ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેરની ટ્રાફિક સમસ્યા, રોડ રસ્તાના બાકી કામો વહેલાસર પૂર્ણ કરવા પર ભાર મૂકયો હતો.

અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ભારે વરસાદને કારણે કચ્છમાં નુકશાન પામેલા વિવિધ માર્ગો, સિંચાઇને લગતા ડેમો, તળાવોના કામો અને થયેલ ખર્ચ બાબતે રજુઆત, ઉપરાંત આર.ટી.ઓને લગતી કાર્યવાહી તેમજ નખત્રાણા તાલુકાના લીફરીના ગામે જી.એમ.ડી.સી.દ્વારા સંપાદન કરાયેલ ખેડુત ખાતેદારની વિસંગતતા અને મંગવાણા મધ્યે સીએચસી બિલ્ડીંગના બાંધકામના કામો શરૂ કરવા પર ભાર મૂકયો હતો.

જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાદ્યેલાએ વિવિધ લોકપ્રશ્નોની રજૂઆત કરી હતી.

જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજને પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે કાર્યવાહી હાથ ધરવાની સાથે કોઇ અડચણ કે વહીવટી પ્રશ્નો હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવીને સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

અધિકારીઓ સાથેની બેઠકમાં પેન્શનના પ્રશ્નો, સરકારી લેણા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના અપાઇ હતી.

આ બેઠકમાં  જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્યિમ વિભાગના પોલીસ વડા સૌરભ તોલંબિયા, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, ડીઆરડીએ નિયામક એમ.કે.જોષી, ભુજ પ્રાંત ગોવિંદસિંહ રાઠોડ, અંજાર, અબડાસા, મુન્દ્રા, ભચાઉના પ્રાંત અધિકારીઓ સહિત જુદાં-જુદાં વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:01 pm IST)