સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

રાજયના પશુધન માટે સરકારી અધધધ રૂ.૪૭ કરોડની જોગવાઇ કરી છે : રાજયમંત્રી આહિર

કચ્છના હોડકો ગામે ૧૨મો બન્ની પશુમેળાના પ્રારંભે મંત્રીની જાહેરાત

ભૂજ તા.૧૯ : રાજય સરકાર પશુપાલન ક્ષેત્રનાં અવિરત વિકાસ માટે કટ્ટીબધ્ધ છે. પશુ-સંવર્ધન કાર્યો માટે રૂ. ૪૭ કરોડની જોગવાઇ કરાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ કૃષિ અને પશુપાલન વિભાગમાંથી પશુપાલન વિભાગને સ્વતંત્ર કરીને રૂ. ૧૩૦૦૦ કરોડની જોગવાઇ કરી છે, તેમ આજે હોડકો મુકામે ૧૨માં બન્ની પશુમેળાને ખુલ્લો મૂકતાં રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.

     હોડકો મુકામે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠ્ઠન સહિત સહજીવન સંસ્થાના સહયોગથી મુખ્યત્વે માલધારીઓની આજીવિકા ટકાવવા, દ્યાસીયા ભૂમિના સંરક્ષણ સાથે બન્નીની સંસ્કૃતિ અને જૈવ વિવિધતાના આદાન-પ્રદાન હેતુ બે દિવસીય પશુમેળાના ઉદ્દદ્યાટન સમારોહને સંબોધતાં સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે આઝાદી પછી પ્રથમ વખત ભેંસની બન્ની ઓલાદને ભારતની ભેંસોની ૧૧મી ઓલાદ તરીકે તેમજ કચ્છનાં ખારાઈ ઊંટને પણ ઊંટની અલગ ઓલાદ તરીકેની તેમજ કચ્છી-સિંધી અશ્વોને અશ્વની અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા મળી છે, તેનો ઉલ્લેખ કરી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકાર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર પણ પશુપાલન ક્ષેત્રના વિકાસ માટે ખૂબ સક્રિય છે, તેમ જણાવ્યું હતું.

     આધુનિક ટેકનોલોજીના સમન્વય થકી પશુપાલન વિકાસ માટે સરકારની કટ્ટીબધ્ધતા દોહરાવતાં તેમણે પશુઓની કરાતી સારસંભાળના પરિણામે પશુઓમાં થતાં ૧૫૯ પ્રકારના રોગો હવે દ્યટીને માત્ર ૨૪ રહ્યા છે. પશુપાલનની સાથે ડેરી વિકાસ, માદા જન્મનું પ્રમાણ વધારવાના પ્રયાસો સહિત પશુપાલન વિકાસ માટે આમુલ પરિવર્તનના પગલાં ભરાઇ રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

     જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢાએ કચ્છમાં અને મીઠડા મુલક બન્નીમાં પશુપાલન મોટો વ્યવસાય છે. રાજય સરકાર દ્વારા છેવાડાના માલધારી સુધી યોજનાકીય લાભો પહોંચાડી મદદરૂપ પૂરવાર થયું છે, જેના પરિણામે ડેરીના વિકાસ સાથે દુધના વ્યવસાય થકી રોજગારીની વિપુલ તકો પણ ઊભી થઇ છે.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ પશુપાલનના પરંપરાગત વ્યવસાયમાં કચ્છ અને બન્ની પારંગત છે. કચ્છનું પશુપાલન ઉત્ત્।મ છે, ત્યારે વેપારી ધોરણે ટકી રહેવા દુધ ઉત્પાદક વધારવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીય કરવા સાથે રાજય સરકારના પશુપાલન વિકાસના સુંદર પરિણામો જોવા મળી રહ્યા છે, તેમજ પશુમેળાના આયોજન થકી માલધારીઓમાં જાગૃતિ આવી હોવાનું પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજયના પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન એસ.ઠાકર, મદદનીશ કલેકટર મનીષ ગુરગવાણી તેમજ સેવા નિવૃત પૂર્વ નિયામક કાછીયાભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યાં હતા. આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે બન્નીના દ્યાસ ઉપર ડો. પંકજભાઈ જોષીની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. કલાધર મુતવાએ કાછીયા પટેલને અપાયેલા પ્રસસ્તીપત્રનું વાંચન કર્યું હતું.

રાજયમંત્રીશ્રીએ પશુપાલન વિભાગના પ્રદર્શન સહિત વિવિધ સ્ટોલની મૂલાકાત પણ લીધી હતી તેમજ  પશુઓનું પ્રદર્શન નિહાળ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે સાલેમામદ ફકીર મામદે સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ ભંડેરી, હઠુભા જાડેજા, ધોરડો સરપંચ મીયાંહુસેન મુતવા, મીરખાન મુતવા, આદમભાઈ ચાકી, તૈયબભાઈ સમા, ભીમાભાઈ રબારી, માહી ડેરીના યોગેશભાઈ પટેલ, સંજય પવાણી, પશુપાલન વિભાગના શ્રી પ્રજાપતિ, ડો. લાખાણી સહિત આગેવાનો અને અધિકારીઓ તેમજ માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આભારદર્શન હોડકોના પૂર્વ સરપંચ શ્રી સલામભાઈએ કરી હતી.

(12:00 pm IST)