સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

જસદણ પંથકમાં થયેલ ૧પ લાખના હિરાની લૂંટના ગુનામાં બોટાદના શખ્સની જામીન અરજી નામંજૂર

આરોપી વિરૂધ્ધ લૂંટનો ગંભીર ગુનો છેઃ તપાસ ચાલુ છેઃ જામીન આપી શકાય નહિઃ કોર્ટ

રાજકોટ તા. ૧૮ :.. જસદણના ઘેલા સોમનાથ નજીક રૂ. ૧પ લાખના હિરાની થયેલ લૂંટના ગુનામાં પકડાયેલ બોટાદના પાળીયાદ રોડ ઉપર રહેતા અને જેલ હવાલે થયેલા આરોપી કિસન મનુભાઇ આંકોલીયાએ જામીન પર છૂટવા કરેલ અરજીને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

આ બનાવ અંગે બોટાદના જશમત ધરમશી મોરડીયાએ પોલીસમાં ૧પ લાખના હિરાના લૂંટની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદની વિગત મુજબ તા. ર૯-૯-૧૯ ના રોજ ઘેલા સોમનાથ રોડ ઉપર કાળાસર જવાના રસ્તે ફરીયાદી અને સાહેદો પોતાની ગાડીમાં જસદણ જતાં હતાં ત્યારે રસ્તા વચ્ચે તેઓને આંતરી છરી વડે હૂમલો કરીને ૧પ લાખના હિરાની લૂંટ કરી હતી.

આ બનાવ અંગે આઠેક શખ્સો શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ગુનો નોંધાયો હતો. આરોપીઓને પૈકીના હાલના આરોપી કિશન મનુભાઇ આંકોલીયાએ જામીન પર છૂટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ મુકેશ પીપળીયાએ રજૂઆત હતી કે, આરોપી સામે લૂંટના ગંભીર ગુનો છે. બનાવમાં એક વધુ આરોપીઓ સંડોવાયેલા છે. પોલીસ તપાસ હજુ ચાલુ હોય સમાજ વિરોધી ગંભીર ગુનામાં આરોપીને જામીન પર છોડી શકાય નહીં.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેશ. જજ શ્રી પી. એમ. દવેએ આરોપીની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી મુકેશ પીપળીયા રોકાયા હતાં.

(11:54 am IST)