સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th November 2018

કોડીનારમાં રઘુવંશી કન્યાનાં હત્યારાઓ સામે કડક કાનુની કાર્યવાહી જરૂરી

જામનગર લોહાણા મહાજન દ્વારા કલેકટરને રજૂઆત

જામનગર તા. ૧૯ :.. કોડીનારમાં રઘુવંશી કન્યાનાં હત્યારાઓ સામે કડક કાનુની કાર્યવાહી કરવા    જામનગર લોહાણા મહાજને કલેકટરને રજૂઆત કરી હતી.

આ અંગે કલેકટરને અપાયેલ આવેદનમાં જણાવાયું છે તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મુકામે રઘુવંશી કુળની કન્યા સાથે પરાણે પ્રિત બાંધવાના ઇરાદાથી તેણીનું અપહરણ કરી, તેણી સામે દુષ્કર્મ આચરી, તેણીને મોતને ઘાટ ઉતારી દેવાનું જધન્ય કૃત્ય ગુન્હેગાર દ્વારા આચરવામાં આવેલ છે, તેને જામનગર લોહાણા મહાજન તેમજ તેની સંલગ્ન સંસ્થાઓ વખોડી કાઢે છે, અને આવા નરાધમો દ્વારા આચરવામાં આવેલ અમાનુષિ તેમજ રાક્ષસી કૃત્યની ઘોર નીંદા કરવામાં આવે છે અને આવા નરાધમો સામે કડકમાં કડક કાનુની કાર્યવાહી કરી, સમાજમાં દાખલા રૂપ સજા કરવામાં આવે તેવી માગણી કરીએ છીએ.

તદુપરાંત જામનગર રઘુવંશી સમાજ દ્વારા રઘુવંશી કુળની સગીરા ઉપર થયેલ જધન્ય અમાનુષિ કૃત્ય સામે રોષ પુર્વક સરકાર સમક્ષ માગણીઓ છે કે, આ ગુન્હાના આરોપીઓ સામેની ઝડપી ન્યાયીક કાર્યવાહી કરવા, પોલીસ તપાસ તુરત પુર્ણ કરી, આરોપી સામે ચાર્જસીટ રજૂ કરવામાં આવે.

તેમજ ન્યાયની અદાલતમાં તેમની સામેની ટ્રાયલ 'ડે ટુ ડે' મુકરર કરી, ઝડપથી ચલાવવામાં આવે. અને સદરહુ કેસની પ્રોસીકયુશનની કાર્યવાહી કરવા માટે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર (ખાસ સરકારી વકીલશ્રી) ની નિમણુંક કરવામાં આવે.

આમ સમગ્ર રઘુવંશી સમાજની વેદનાઓને ધ્યાને લેવા અને ભોગ બનનારના પરીવારજનોને ન્યાય અપાવવા ઉપર મુજબની માગણીઓ કરીએ છીએ. જે ધ્યાને લઇ કાયદા મુજબ તુરત ઘટતુ માંગ ઉઠાવી છે.

(1:40 pm IST)