સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th October 2020

અસ્થિ વિસર્જન વેળા કોળીયાકના દરિયામાં ન્હાતા બાવળાના પિતા-પુત્ર અને પુત્રીના ડૂબી જતા મૃત્યુ

ભાવનગર તા. ૧૯ : ભાવનગરના કોળીયાકના દરિયામાં અસ્થિ વિસર્જન કરવા આવેલા એક જ પરિવારના ત્રણના ડુબી જતાં મોત નિપજ્યા છે.

આ કરૂણાંતીકાની વિગતો મુજબ કોળીયાકના પ્રસિધ્ધ દરિયામાં બાવળાના લાભુભાઇ રમતુભાઇ નાયક અને તેમના પુત્ર જયેશ (ઉ.વ.૧૩) અને પુત્રી સરોજ (ઉ.વ.૧૭) ના દરિયાના પાણીમાં ડુબી જતા મોત નિપજ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય મૃતદેહ દરિયાના પાણીમાંથી બહાર કાઢયા હતા. મૃતક લાભુભાઇ નાયક અસ્થિ વિસર્જન માટે બાવળાથી કોળીયાક નિષ્કલંકના દરિયામાં આવ્યા હતા અને દરિયામાં ન્હાતી વખતે તણાવા લાગતા પાણીમાં ડુબી જતા એકપછી એક ત્રણેયના ડુબી જતા મોત નિપજ્યા હતા. આ બનાવે ગમગીની ફેલાવી હતી.

દરિયામાં ભારે કરંટ હોય લાભુભાઇ અને તેના બે સંતાનો ડુબવા લાગ્યા ત્યારે તેની પત્નીએ બુમાબુમ મચાવતા લોકોના ટોળા દરિયા કિનારે દોડી આવ્યા હતા. પોલીસએ જરૂરી કાર્યવાહી કરી ત્રણેય મૃતદેહોને પી.એમ. માટે કોળીયાક સરકારી દવાખાને મોકલી આપેલ.

(10:55 am IST)