સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th October 2019

સોનારડીના માજી સરપંચની હત્યામાં ૧૬ શખ્સો સામે નોંધાતો ગુનો

ગ્રામ સભા પુરી થતા જુના મન દુઃખથી ઢીમ ઢાળી દીધુ હત્યારાઓની ધરપકડ માટે કોમ્બીંગ-તપાસ

 જુનાગઢ તા.૧૯: વંથલીના સોનારડીના માજી સરપંચની હત્યા સબબ મોડી રાત્રે પોલીસે ૧૬ શખ્સો સામે ગુનો નોંધીને હત્યારાઓની ધરપકડ માટે પોલીસે કોમ્બીંગ હાથ ધર્યુ છે.

વંથલી તાલુકાના સોનારડી ગામમાં ગઇકાલે ગ્રામ સભા મળી હતી જેમાં માત્ર સરપંચ દિલાવરભાઇ મહમદભાઇ પલેજા (ઉ.વ.૪૫)અને તેના કૌટુંબીક ભત્રીજા ઇબ્રાહીમ મુસા પલેજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

સ્ટ્રીટ લાઇટ વગેરે મુદ્દે અને દિલાવરભાઇએ ઇબ્રાહીમ મુસા વિરૂધ્ધ આરટીઆઇ કરી માહિતી માંગી હોય જે મનદુઃખથી ગઇકાલે ઇબ્રાહીમ પલેજા વગેરે દિલાવરભાઇ ઉપર તિક્ષ્ણ હથિયારો સાથે તુટી પડયા હતા.

આ હુમલામાં દિલાવર પલેજા તથા તેમના પુત્ર મકબુલ અને મરીયમબેનને ઇજા થતા તમામને જુનાગઢ સિવીલ હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં દિલાવરભાઇને મૃત જાહેર કરાવામાં આવ્યા હતા.

આમ હત્યાના આ બનાવથી નાના એવા સોનારડી ગામમાં હલચલ મચી ગઇ હતી.

આ અંગેની જાણ થતા વંથલી ખાતેથી પોલીસ કાફલો સોનારડી ગામે દોડી ગયો હતો. તેમજ જુનાગઢ સિવીલ હોસ્પિટલે પણ પોલીસે દોડી બનાવ અંગે માહિતી મેળવી હતી.

મોડી રાત્રે મૃતકના પુત્ર મકબૂલ દિલાવરભાઇ ઉર્ફે ડાડાબાપુ પલેજાએ મરનારના કૌટુંબિક ભત્રીજા ઇબ્રાહીમ મુસા પલેજા, અસર મુસાભાઇ પલેજા, તેમજ યુસુફ નુરમહમદ, ઇકબાલ તૈયબ,ઇમ્તીયાઝ ઇસ્માઇલ અને જુમા ઇસ્માઇલ સહિત ૧૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વંથલી પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એસ.પી.સૌરભસિંહની સુચના અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વંથલી પી.એસ.આઇ. એન.બી.ચૌહાણ વગેરેએ રાતામરા કોમ્બીંગ કરી હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(11:56 am IST)