સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

કાલે જુનાગઢમાં ધનસુખભાઇ ભંડેરી એકતાયાત્રા-રથને પ્રસ્થાન કરાવશે

રાજકોટ તા.૧૯: ''સ્ટેચ્યુ ઓફ યુનિટી''નાં લોકાપર્ણ પુર્વે રાજયભરમાં એકતાયાત્રાનું આયોજન થયું છે. જે અંતર્ગત આવતીકાલે ગુજરાતનાં જુનાગઢ ખાતે રાજયનાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન એકતા યાત્રાનો પ્રારંભ કરાવશે.

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ના ૩૧ ઓકટોબરે લોકાપર્ણ પૂર્વે રાજયભરમાં એકતાયાત્રા યોજીને સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના મંત્રને ઘેર-ઘેર ગુંજતો કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.

આ એકતા યાત્રાના પ્રથમ તબક્કામાં પાંચ હજાર ગામોને આવરી લેવામાં આવશે. ધર્મ-સંપ્રદાય અને જ્ઞાતિ-જાતિના વાડાથી બહાર આવીને રાષ્ટ્રભાવના ઉજાગર કરવાના ઊમદા આશયથી યોજાનાર આ એકતાયાત્રા બે તબક્કા દરમિયાન ૧૦ હજાર ગામોમાં પરિભ્રમણ કરશે જે માટે ૫૦ થી વધુ રથ તૈયાર કરાયા છે.

રથમાં સરદાર સાહેબની પ્રતિમા રહેશે તેમજ એલ.ઇ.ડી. સ્ક્રીન પરથી સરદાર સાહેબના જીવન-કવનને આવરી લેતી અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' માટેની ટેલિફિલ્મ દર્શાવાશે.

રથનું ગામમાં આગમન થાય ત્યારે ભવ્ય સ્વાગત કરાશે અને સ્વાગત વેળાએ એકતાના શપથ ગ્રહણ નાગરિકોને કરાવાશે. તે સમયે ધાર્મિક ગુરૂઓ, શિક્ષકો, પંચાયતના સભ્યો, સહકારી મંડળી-દૂધ મંડળીના સભ્યો ઉપસ્થિત રહેશે.

રાજયમાં યોજાનાર આ એકતાયાત્રાનો પ્રથમ તબક્કો તા. ૨૦મી ઓકટોબરથી ૨૯મી ઓકટોબર -૨૦૧૮ દરમિયાન યોજાશે. યાત્રાનો બીજો તબક્કો ૧૨મી નવેમ્બર -૨૦૧૮ થી ૨૧ નવેમ્બર -૨૦૧૮ દરમિયાન યોજાશે. પ્રથમ તબક્કામાં ૫૦૦૦ ગામો તથા બીજા તબક્કામાં ૫૦૦૦ ગામોને આવરી લેવામાં આવશે. રાત્રી રોકાણના ગામમાં જાહેરસભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

મંત્રીશ્રીએ સરદાર સાહેબના એકતા-અખંડિતતાના મંત્રીને ચરિતાર્થ કરવા માટે રાજય સરકારે જે પ્રયાસો હાથ ધર્યા છે તેમાં આ એકતાયાત્રામાં વધુને વધુ નાગરિકોને સહભાગી થવા અનુરોધ કર્યો છે.

(3:53 pm IST)