સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th September 2020

બોલ્ડ - બ્યુટીફુલ મહિલાઓ સાથેની ફ્રેન્ડશીપની લાલચમાં ભુજના બિલ્ડરે ૪૩ લાખ ગુમાવ્યા

ફ્રેન્ડશીપ કલબના નામે લલનાઓએ ફોન પર જ મીઠી વાતો કરી રૂપિયા ખંખેર્યા : ૧૮ મોબાઇલ નંબર અને બેંક તેમજ આંગડિયા દ્વારા મોકલાયેલ રૂપિયા અંગે તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : ફોન ઉપર ફ્રેન્ડશીપ કરી નજીક માં જ મહિલા મિત્રો બનાવી મોજ માણવાની જાહેરાત વાંચી ગલગલીયા થાય તો સંભાળજો રુપિયા ખોવાનો વારો આવશે. ભુજના ૩૪ વર્ષીય યુવાન બિલ્ડર જીતેન્દ્ર જયંતિલાલ સોરઠીયાએ બોલ્ડ અને બ્યુટિફૂલ મહિલાઓની ફ્રેન્ડશીપના નામે ૪૩ લાખ ૩૪ હજાર રૂપિયા ગુમાવ્યા છે.

ભુજ એ ડિવિઝન પોલીસમાં બિલ્ડર જીતેન્દ્ર સોરઠીયાએ લખાવેલ ફરિયાદ મુજબ જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમ્યાન આ બનાવ બન્યો છે. ફુલ મસાજ અને બોડી સ્પા ના નામે આવેલી જાહેરાત વાંચીને લલચાયેલા બિલ્ડરે ફોન કર્યો અને જાળમા ફસાતા ગયા. પહેલા ફન કલબની માહિતી આપી જો તેઓ 'શોખીન' મહિલાઓને ખુશ કરશે તો સારૂ વળતર મળશે એવી લાલચ આપી ફ્રેન્ડશીપ વિશે માહિતી અપાઇ હતી.

બાદ અલગ અલગ મહિલાઓના મોબાઈલ નંબર આપીને દ્વારા પણ વાત કરાવાઇ હતી. મહિલા મેમ્બરોએ કલબના રજીસ્ટ્રેશન ના બહાને, હોટેલ બુકિંગના બહાને, પ્રાઇવસી લિંકના બહાને બેંક દ્વારા આંગડિયા દ્વારા રુપિયા બિલ્ડરે મોકલ્યા. પાલનપુર અને ડીસા આંગડિયું કર્યું.

પ્રેક્ષા ઠક્કર અને અન્ય નામ ધારી યુવતીઓએ મીઠી મીઠી વાતો કરી કેનેડા લઈ જવાના બહાને રૂપિયા ખંખેર્યા. છેલ્લે હાર્લી ડેવીડસન બાઈક છોડાવવાના બહાને રૂપિયા લીધા. પણ, જીતેન્દ્રભાઇને પછી ખ્યાલ આવ્યો કે, મીઠી મીઠી વાતોના ગલગલિયામાં તેમણે ૪૩ લાખ ૩૪ હજાર રૂપિયા ખોઇ નાખ્યા છે. અંતે તેમણે પોલીસને ૧૮ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને આંગડિયા મારફત મોકલેલ રૂપિયાની માહિતી સાથે પોલીસ ફરિયાદ નોધાવી છે.

(11:28 am IST)