સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

મોરબીમાં સ્વાતંત્ર્ય દિને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરૂજનોનું સ્નેહમિલન યોજાયું

મોરબી,તા.૧૯: મોરબીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજનોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ ૧૯૯૭-૯૮માં ધોરણ ૮માં ઉ.બુ. માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જે તે સમયના ગુરુજનોનું સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન પટેલ બોર્ડિંગ જોધપુર ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગ જે તે સમયના વિદ્યાર્થીઓમાંથી ૭૫ વિદ્યાર્થીઓ તથા જે તે સમયના હયાત શિક્ષણ તથા સ્ટાફ ગણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થી મિત્રોએ પોતાના હાથે ૧૯૯૮-૯૯ માં કરેલા વૃક્ષારોપણની મુલાકાત કરી હતી અને હર્ષની લાગણી વ્યકત કરી હતી. ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર સરસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે જ શાળામાં અભ્યાસ કરેલ કલાસરૂમ અને બોર્ડિંગમાં રહેતા જુના રૂમોની મુલાકાત કરી જૂની યાદોને તાજી કરી હતી. ત્યારબાદ કાર્યક્રમ આગળ ધપાવવા બધા જ ગુરુ તથા સ્ટાફ મિત્રોને શાળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ સ્કૂલની યાદી રૂપે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યું હતું.

અવસાન પામેલા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે બે મિનિટ મૌન પાડી આપણી સંસ્કૃતિ પ્રણાલીને આગળ ધપાવી હતી. આ પ્રસંગમાં ગુરુજનોએ પ્રસંગને સંબોધન કરી જીવનમાં ખૂબ પ્રગતિ માટે આશિર્વચન પાઠવ્યા હતા. તો શ્રી અંદરપા દ્વારા યોગ અને પ્રાણાયામ તથા જીવન દ્યડતર રૂપી પાઠ શીખવવામાં આવ્યો હતો. ડોકટર મનીષ સનારીયા સાહેબેન સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે સંબોધન કર્યું હતું. અને આ કાર્યક્રમના અંતમાં સ્વરુચિ ભોજન પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો સૌ કોઈ લાભ લીધો હતો.આ કાર્યક્રમની સાથે સાથે હાલના પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

(1:09 pm IST)