સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

વિસાવદરના જીવાપરમાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકીથી મુસ્કાનનો એસિડ પી આપઘાત

પરિણીત ઢગો સતત હેરાન કરતો હતોઃ કોળી યુવતિએ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: વિસાવદરના જીવાપર ગામમાં રહેતી મુસ્કાન મહેશભાઇ બારૈયા (ઉ.૧૭) નામની કોળી યુવતિએ ૧૬મીએ બપોરે એસિડ પી લેતાં વિસાવદર, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત રાતે તેણીનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. અલ્પેશ નામનો બે સંતાનનો પિતા તેણીને ફોનમાં થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપતો હોવાથી આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

આપઘાત કરનાર મુસ્કાન બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા મહેશભાઇ વાઘજીભાઇ હીરા ઘસવાનું કામ કરે છે. મુસ્કાનની સગાઇ થઇ ગઇ હતી અને દિવાળી પછી લગ્ન થવાના હતાં. પરિવારજનોના કહેવા મુજબ મુસ્કાનને જોવા અલ્પેશ નામનો એક છોકરો આવ્યો હતો, જેની સાથે મુસ્કાનને વાત થઇ હતી તે અલ્પેશ નામના યુવાન સાથે અગાઉ તેણી વાત કરતી હતી. એ પછી બીજા એક અલ્પેશે કોઇપણ રીતે ફોન નંબર મેળવી મુસ્કાન સાથે વાત કરી હતી. ત્યારે મુસ્કાનને પોતાની સાથે વાત કરનાર યુવાન પોતાને જોવા આવેલો અલ્પેશ હોવાનું સમજાયું હતું. પરંતુ  બાદમાં ખબર પડી હતી કે આ શખ્સ પરિણીત અલ્પેશ છે. જેથી તેણે વાત કરવાનું બંધ કરી દીધી હતું. આ પછી પણ તે વાત કરવાનું દબાણ કરી કોલ રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપતો હોઇ જેથી કંટાળીને મુસ્કાને એસિડ પી લીધું હતું. તેમ તેણીના સ્વજને જણાવતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)