સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

સુત્રાપાડાના કદવાર હીરાકોટ પોર્ટ પર બોટ દૂર લેવા મામલે માછીમાર બંધુ પર હુમલોઃ એક ગંભીર

સલિમ ભેંસલીયા અને અસલમ ભેંસલીયાને રાજકોટથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયાઃ ઇસ્માઇલ સહિત ૮ શખ્સોએ કુહાડી-પાઇપથી હીચકારો હુમલો કર્યો

રાજકોટ તા. ૧૯: સુત્રાપાડા ગીરના કદવાર હીરાકોટ પોર્ટ પર બોટ દૂર લેવા મામલે માથાકુટ થતાં બે માછીમાર ભાઇઓ પર અન્ય માછીમારોએ કુહાડી, પાઇપથી હીચકારો હુમલો કરતાં બંનેને ઇજાઓ થતાં સુત્રાપાડા, વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં અને અહિથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. જેમાં એકની હાલત ગંભીર છે.

જાણવા મળ્યા મુજબ કદવારમાં રહેતાં અને માછીમારી કરતાં સલિમ જાફરભાઇ ભેંસલીયા (ઉ.૨૫) તથા અસલમ જાફરભાઇ ભેંસલીયા (ઉ.૩૦) સાંજે પોતાની બોટ દરિયામાં લઇ જવા હીરાકોટ પોર્ટ પર તૈયારીમાં હતાં ત્યારે અન્ય માછીમારો ઇસ્માઇલ હાસમ, કાસમ હાસમ, સિદી હાસમ, અયુબ હાસમ, સુલેમાન હાસમ, સોયેબ સિદી, કારા અયુબ, રહિમ સુલેમાન સહિતે કુહાડી-પાઇપથી હુમલો કરી માથા-શરીરે ઇજાઓ કરતાં સુત્રાપાડા, વેરાવળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

રાજકોટથી બંને ભાઇઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. બંનેના ભાઇ અમિનભાઇ જાફરભાઇના કહેવા મુજબ સલિમ અને અસલમ બોટ લઇને દરિયામાં જવું હોઇ બંદરે હતાં ત્યારે ઇસ્માઇલે પોતાની બોટ આડી રાખી દીધી હતી. તેને બોટ દૂર લેવાનું કહેતાં હમણા આવું...તેમ કહી બે કલાક સુધી આવ્યો નહોતો. પછીથી તે આવતાં તેને સમજાવતાં ઝઘડો કરી પોતાના સગાઓ સાથે મળી હુમલો કર્યો હતો. જેમાં સલિમ હજુ આજ સવાર સુધી ભાનમાં આવ્યો નથી.

(11:55 am IST)