જસદણમાં એસટી બસે અડફેટે લેતા માતાની નજર સામે પુત્ર અને પૌત્રનું કરૂણમોત
માતાને મંદિરે દર્શન કરવા લઈ જતી વેળાએ જસદણ-રાજકોટ રૂટની બસની ઠોકર લાગી
જસદણમાં રવિવારેએસ.ટી. બસનાં ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતાં પિતા-પુત્રનું ઘટના સ્થળે કરૂણમોત નીપજ્યું હતું. બાઇકમાં પાછળ બેઠેલી માતાની નજર સામે જ પુત્ર-પૌત્રનું મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. તેને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ફરિયાદનાં આધારે જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે જસદણના લોહિયાનગરમાં રહેતા અને મજૂરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ડાયાભાઈ પોપટભાઈ મકવાણા નિત્યક્રમ મુજબ વહેલી સવારે તેના પુત્ર દિવ્યેશ(ઉ.વ.6) અને તેમની માતા સવિતાબેન પોપટભાઇ મકવાણાને બાઈક પર લઇ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. ત્યારે ત્રિપલ સવારી બાઈક લોહીયાનગરથી શહેરના જૂના બસસ્ટેન્ડ નજીક પહોંચતા સામેથી આવતી જસદણ-રાજકોટ રૂટની એસ.ટી. બસે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક 40 ફૂટ જેટલા અંતર સુધી ઢસડાયુ હતું. જેમાં પિતા-પુત્રનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.