સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

જૂનાગઢમાં દત્ત શિખર સુધી ધાર્મિક વિધિ ઉપર મનાઈ ફરમાવતા સાધુ-સંતોના ઉપવાસ આંદોલનનો અંત

જૂનાગઢઃ એસ.ડી.એમ. કચેરી ખાતે એસ.ડી.એમ. જ્વલંત રાવલને સાધુ-સંતો પૂ. ઈન્દ્રભારતીબાપુ, પૂ. મુકતાનંદબાપુ, તનસુખગીરીબાપુ, મુકતાનંદગીરી મળી અને રજૂઆત કરેલ હતી જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

જૂનાગઢ, તા. ૧૯ :. ગિરનાર પર્વત પર આજે તા. ૧૯ના રોજ જૈન સંતો દ્વારા યોજાનાર નિર્વાણ લાડુ મહોત્સવ અંતર્ગત ધાર્મિક વિધિ અને સરઘસ કાઢવા પર તંત્રએ મનાઈ હુકમ ફરમાવતા છેલ્લા બે દિવસથી ચાલતા સાધુ-સંતોના ઉપવાસનો ગઈકાલે સુખદ અંત આવ્યો હતો.

ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર અને ગુરૂ ગૌરક્ષનાથ પાદુકા બાબતે ચાલતા પ્રશ્નમાં જૈન સંતો દ્વારા નિર્વાણ લાડુનો કાર્યક્રમ જાહેર થતા ગિરનાર મંડળના વરિષ્ઠ સંતો મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ, પૂ. ઈન્દ્રભારતીબાપુ, ચાંપરડાના પૂ. મુકતાનંદબાપુ તેમજ તનસુખગીરીબાપુ, શેરનાથબાપુ, સ્વામી મુકતાનંદગીરી, મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ, મહાદેવગીરીબાપુ સહિતના અસંખ્ય સાધુ સંતો દ્વારા આ બાબતનો વિરોધ કરી વરસતા વરસાદે ઉપવાસ આંદોલન શરૂ કરી દેતા તંત્ર હરકતમાં આવેલ અને સાધુસંતો સાથે બે દિવસથી ચાલતી મંત્રણા પછી સામાપક્ષે જૈન સમાજના અગ્રણીઓને સાંભળ્યા બાદ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ જે.એમ. રાવલે નિર્મળસાગર ધ્યાનકેન્દ્ર તરફથી કોઇ પુરાવા રજુ ન થતાં અને પોલીસ તરફથી કાયદો અને વ્યવસ્થા અંગે રીપોર્ટ ધ્યાનમાં લઇ જૈન સમાજ દ્વારા મંગાયેલી સરઘસ કાઢવાની મંજુરી નકારી ગિરનાર પર્વત પર દતાત્રેય ચરણપાદુકા દત્ત શિખર સુધી કોઇપણ ધાર્મિક વિધી કે કોઇ કાર્યક્રમ કરવા પર મનાઇ ફરમાવી દીધી હતી.

તંત્રના આ હુકમ પછી ગિરનાર તળેટી દત્ત ચોક ખાતે ઉપવાસ પર બેઠેલા સાધુ-સંતોના આંદોલનના પારણા કરાતા આ આંદોલનનો અંત આવેલ છે.(૨-૧૨)

(4:00 pm IST)