સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

જેતપુરની નદીમાં કેમિકલયુકત પાણી છોડાતા રોષ

કુદરતે નદીને ચોખ્ખું પાણી આપ્યુ પરંતુ દુષિત પાણી તેમા ઠલવાતા રોગચાળાનો ભય

જેતપુર તા.૧૯ : શહેરમાં સાડી પ્રિન્ટીંગના ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા યુનિટો આવેલ છે. જેમાં દરરોજ સાડી, ડ્રેસ પ્રિન્ટીંગ થતા હજારો લીટર પાણીનો વપરાશ થાય છે. તે પાણીની સાથે ઝેરી કેમીકલો કલર ભળતા ભયંકર નુકશાનકારક બની જાય છે. સાડી પ્રિન્ટીંગના ઉદ્યોગ ઉપર શહેરના લોકો પોતાની આજીવીકા મેળવે છે. રોજીરોટી કમાવવા અન્ય રાજયોમાંથી પણ પરપ્રાંતીઓ અહી વસવાટ કરવા લાગ્યા છે પરંતુ કારખાનેદારો પોતાના કાયદા માટે અન્ય લોકોની પરવાહ કરતા નથી.

સ્ટીમ પ્રોસેસથી કારખાનેદારો કામ કરતા ત્યારે ઉપયોગ થયેલ કલરવાળુ પાણી ગમે ત્યાં છોડી દેવાતા ઠેરઠેર લાલ પાણીનો પ્રશ્ન ઉદભવ્યો હતો. પાણી જમીનમાં ઉતરતા લોકોના બોરવેલ, ડંકી, કુવાના તળોમાં કલરવાળુ પાણી ભળી જતા લાલ કલરનુ પાણી આવતુ ત્યારે કોર્ટે આ પ્રશ્નનો હલ લાવવાનો આદેશ આપતા કારખાનેદારોએ સ્ટીમ પ્રોસેસના બદલે સીલીકેટનો ઉપયોગ શરૂ કર્યો એટલે કે, દારૂ મુકી ગાંજો ચાલુ કર્યો. આ સીલીકેટ વાળુ પાણી ગમે ત્યાં છોડી દેતા હોય સીલીકેટના કારણે જમીન બિનઉપજાવ થવા લાગી અને લોકોમાં ચામડીના રોગો થવા લાગ્યા.

આ પ્રશ્ને અવારનવાર કોઇકને કોઇક વ્યકિતઓ દ્વારા વિરોધ કરવામાં આવતો. હાઇકોર્ટમાં પણ આ બાબતે અગાઉ જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવતી. કોર્ટે હુકમ કરે કે આદેશનો માત્ર દેખાવ પુરતો અમલ કરવામાં આવતો હોય કોર્ટે સાડી પ્રિન્ટીંગ યુનિટોનું ઝેરી કેમીકલ યુકત પાણી ચેનલ મારફત એક જગ્યાએ એકત્રીત કરી તેને શુધ્ધ કરવુ. આ કોર્ટના આદેશ મુજબ શહેરમાં ચેનલો તો બનાવી પરંતુ આ ચેનલો કેટલીક જગ્યાએથી તૂટી જતા તેમજ વોકળામાં ચેનલો બનાવેલી હોય પાણી વોકળામાં તેમજ ગટરોમાં જતુ પરંતુ તેનો કોઇ ઉકેલ આજ દિવસ સુધી લાવેલ નથી.

થોડા સમય પહેલા પ્રદૂષણ પ્રશ્ને કોર્ટે તમામ કારખાનેદારોને પોતાનુ વ્યકિતગત પ્રાથમિક ટ્રીટમેન્ટ પ્લાન કારખાનામાં જ બનાવવા હુકમ કરતા મોટાભાગના કારખાનેદારોએ ટ્રીટમેન્ટ પ્લાન બનાવી લીધેલ પરંતુ તેનુ ભવિષ્ય પણ ચેનલો જેવુ જ થયુ છે. પ્લાન્ટ તો ઠીક પરંતુ પ્રાથમીક ટ્રીટમેન્ટ કરવાનુ અમુક કારખાનેદારોને ગમતુ નથી. પરિણામે પ્રદૂષણ ફેલાવવાનુ યથાવત રહ્યુ. થોડા સમય પહેલા શહેરના જાગૃત નાગરીકએ ઉપવાસ આંદોલન કરેલ ત્યારે પણ તેને મનાવવા જીપીસીબીના સ્થાનિક અધિકારીઓ પણ ઉંધા માથે થયા હતા.

ભદ્રાવતી (ભાદર) નદી કે જે શહેરમાંથી પસાર થાય છે તેનું મહત્વ ઘણુ જ છે પરંતુ ડાઇંગ એશો. અને તેના કાંઠે જ સ્ટોરેજ ટેન્ક બનાવેલ છે જેની મંજુરી કોણે અને શા માટે આપી તે મોટો પ્રશ્ન છે ? જીપીસીબીના જણાવ્યા અનુસાર તેમણે અવારનવાર આ ભાદર નદીમાં પ્રદૂષણ ફેલાતુ હોય તેવુ આરટીઆઇમાં જણાવેલ. ભાદર નદીમાં કારખાનાનું પ્રદુષીત પાણી ભરેલ હોય તેની તિવ્ર વાસ આવતી હોય ઉપરાંત વરસાદ પડતા તેના પાણીના વહેણને લીધે આ પ્રદૂષીત પાણી સીધુ ડેમમાં ચાલ્યુ જાય, તેવા સમાચારો અખબારોમાં આવ્યા પરંતુ ન તો જીપીસીબીના અધિકારીઓએ બયાન આપ્યુ કે ન તો ડાઇંગ એસોસિએશનના હોદ્દેદારોએ ગણકાર્યુ કે પ્રિમોન્સુન કામગીરી કરવી જોઇએ.

પરિણામે પહેલા વરસાદમાં જ દેવકી ગાલોળ ગામમાં સાત ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસતા તેનુ પાણી નદીમાં આવ્યુ. આ પાણીથી નદીમાં ભરેલ તમામ પ્રદૂષીત પાણી કુદરતી સાફ કરી દીધુ હોવા છતા ડાઇંગ એસોસિએશન તેની ટેવ મુજબ નદીને ચોખ્ખી ન રહેવા દેવા નકકી કરેલ હોય તેમ સ્ટોરેજ ટેંકનું પ્રદૂષીત પાણી સીધુ નદીમાં છોડી દીધુ. જો આ પાણી એશોસિએશનના કહેવાથી ન છોડાયુ હોય તે કલર વાળુ પાણી નદીમાં આવ્યું કયાંથી કેમકે એક તરફ વરસાદ થતા મોટાભાગના કારખાનાઓ બંધ થઇ જાય છે અને બીજી તરફ અષાઢી બીજની રજા હોય તેમ પણ કારખાના બંધ જ હતા. જીપીસીબીની કચેરી સ્થાનિક હોય છતા શુ આ બાબુઓને આ પ્રદૂષણ દેખાતુ નથી કે એસોસિએશન વજન હેઠળ તે દબાઇ આંખ આડા કાન કરી દે છે.

એસોસિએશન દ્વારા આ પાણી કયાંથી છોડવામાં આવે છે કેવી રીતે તમામ માહિતી જીપીસીબીના અધિકારીઓ મેળવી તે બંધ કરાવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે. જો સ્થાનિક અધિકારીઓ દ્વારા આ પ્રદૂષણ અટકાવી શકાય તેમ ન હોય. વીજીલન્સ અને કલેકટરમાં પણ આ બાબતે અરજી કરવામાં આવનાર છે.

કેન્દ્ર તેમજ રાજય સરકાર પર્યાવરણની જાળવણી માટે લાખો અને કરોડો રૂપિયા વાપરી રહ્યા છે ત્યારે શહેરના ડાઇંગ એશો. દ્વારા પર્યાવરણ બાબતે કોઇજ ચિંતા કર્યા વગર પ્રદૂષણ ફેલાવી રહ્યાનુ હોવાનુ ચર્ચાય રહ્યુ છે.

(11:52 am IST)