સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

કાગદડી પાસે થયેલા ગોઝારા અકસ્માત સમયે ટંકારા પોલીસ તથા ૧૦૮ની સુંદર કામગીરી

ટંકારા, તા. ૧૯ : કાગદડી પાસે થયેલા ગોઝારા અકસ્માત સમયે ટંકારા પોલીસ તથા ૧૦૮ની ટીમે સુંદર કામગીરી બજાવેલ.

કાગદડી પાસે પાષાણ હૃદયના માનવીના હૃદયના ટુકડે ટુકડા કરી નાખે એવા ગોઝારા અકસ્માતમાં નવ-નવ માનવોનો ભોગ લેવાયેલ છે.

અકસ્માતની જાણ થતાં ટંકારાના પી.એસ.આઇ. એમ.ડી. ચૌધરી તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ.

અકસ્માત કુવાડવા પોલીસની હદમાં હતો, પરંતુ ઇકો કાર અગનગોળાની જેમ સળગતા રાજકોટ તથા મોરબી તરફ પાંચ-પાંચ કિલોમીટર લાંબી વાહનોની લાઇનો થયેલ અને ટ્રાફીક અટકી પડેલ.

પી.એસ.આઇ. એમ.ડી. ચૌધરી તથા સ્ટાફે સતત દોઢથી બે કલાક સુધી મોરબીથી રાજકોટ જતા વાહનોને મિતાણાથી ડાયવર્ટ કરી ટ્રાફીકનો પ્રશ્ન હળવો બનાવેલ.

ટંકારાના ૧૦૮ ટીમના પાયલોટ રાજુભાઇ દુબરીયા તથા સ્ટાફ પણ અકસ્માત સ્થળે પહોંચી ગયેલ અને ઇજાગ્રસ્તોને બચાવવા મૃતદેહોને વાહનમાથી બહાર કાઢવા મદદરૂપ બનેલ.

(11:46 am IST)