સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

કોડીનારમાં ૧૦ દિ'માં ૬૦ ઇંચઃ ૧પ જેટલા ગામો હજુ પાણીમાં

ગોહિલની ખાણ ગામે પાંચ ઢોરના મોતઃ હરમડીયામાં તળાવ તૂટતા પાણી ભરાયાઃ શિંગોડા સહિતની નદીઓ ગાંડીતૂરઃ સમગ્ર તાલુકામાં જમીનોનું ધોવાણઃ વિઠ્ઠલપુરમાં ફસાયેલા ર૦ લોકોને NDRF ની ટીમે બચાવી લીધાઃ શિંગોડા ડેમના દરવાજા ત્રણ દિ'થી ખૂલ્લા

કોડીનાર તા. ૧૯ : કોડીનાર  શહેર ભારે વરસાદના લીધે કોડીનારમાં બારે મેઘખાંગા થયા છે. કોડીનારને સતત ૧૦ દિવસથી ધમરોળતા મેઘરાજા એ બુધવારે વધુ ૬ ઈંચ વરસાદ વરસાવતા તાલુકા  ભરની સ્થિતી વધુ વિકટ બની છે. સિઝનનો પૂરો વરસાદ ફકત ૧૦ દિવસમાં જ ૬૦ ઈંચ ખાબકી જતા સમગ્ર પંથકમાં વરસાદી આફત સર્જાઇ છે. સતત ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં  ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે.   તેમજ તાલુકાના હરમડિયા - આલીદર - ઘાટવડ- સુગાળા - માઢવડ - કોટડા - છારા  ગોહીલની ખાણ - વીઠલપુર - નગડલા  સહિતના ૧૫ જેટલા ગામો માં સતત ૩ દિવસથી  પાણી ભરાયા  હોય ઉપરોકત ગામો બેટમાં ફેરવાયા છે. 

હરમડીયા ગામે સારણ તળાવ ની પાળ તુટતા તળાવના પાણી ગામમાં ફરી વળતા  નિચાણ વિસ્તારો  વાળા ને સલામત સ્થળે  સ્થળાંતર  કરવાની  તંત્ર દ્વારા  તાકીદ કરાઇ છે.  તાલુકાના મોટાભાગના  ગ્રામ્ય વિસ્તારો માં બેટ માં ફેરવાયા  હોય સ્વેચ્છીક  સંસ્થાઓ  દ્વારા શેઠાયા - બરડા - જગતીયા વગેરે ગામોમાં ફુડ પેકેટનું વિતરણ કરાઇ રહ્યુ છે.  તાલુકાના  મોટા ભાગના  ગામોમાં  ભારે વરસાદથી  જમીનોનુ ધોવાણ થયુ હોય કપાસ મગફળીના પાકો  નિષ્ફળ જવાની   ભીતી  સેવાઇ રહી છે.  શિંગાડા ક્ષેત્ર માં વધુ  ૪ ઈંચ વરસાદ  સાથે મૌસમ ની કુલ વરસાદ ૪૪ ઈંચ (૧૦૯૦મીમી) નોંધાયો છે.  વિઠલપુર ગામે પસાર થતી નદી સાંગાવાડી નદીનુ પાણી અને અંબુજાની  સુગાળામાં આવેલ માઇન્સના પાણી ગામના તલ વિસ્તારમાં ફરી વળતા ૨૦ જેટલા લોકો પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમે રેસ્કયુ કરી તમામ લોકોને પાણી માંથી સલામત બહાર કાઢી તમામને બચાવી ટ્રેકટરમાં સલામત સ્થળે ખસેડ્યા હતા.  શિંગાડા ડેમમાં અને ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદના કારણે ડેમમાં સતત નવા નીરની આવક ચાલુ જ હોય, ડેમ ૩ દિવસથી ઓવરફલો થતા છેલ્લા ૩ દિવસથી  ડેમના ૨ દરવાજા  ૨-૨ ફુટ ખુલેલા હોય ડેમમાંથી  નદીના નાળાઓ ગાંડીતુર થતા ઘોડાપુર  આવ્યા હતા.

ગોહિલની ખાણ ગામ ૭ દિવસમાં ૬ વાર બેટમાં ફેરવાયુ

ગોોહિલની ખાણ  ગામ ૭ દિવસમાં ૬ઠ્ઠી વાર  બેટમાં ફેરવાયુ હતુ. ગામમાં ભારે માત્રામાં પાણી ભરાવાના  કારણે પ પશુઓના મૃત્યુ થયાનુ અને સામત નદીના કાંઠે આવેલી જમીનનું મોટા પાયે નુકશાન થયાનુ સાથે સમગ્ર ગામમાં ભારે નુકશાન થયા હોવાનું સરપંચ ભીખુભાઇ  ગોહિલે જણાવ્યુ છે.

જેસીબી વડે  પાણીનો નિકાલ

કોડિનાર શહેરમાં સતત ભારે વરસાદના કારણે  કૃષ્ણનગર , ગીતાંજલી - ગાયત્રી મંદીર - વડનગર રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી મોટી માત્રામાં  ભરાતા અનેક વિસ્તારોમાં પાણી ગરક થતાં નગરપાલીકા તંત્ર દ્વારા જેસીબી વડે પાણીનો નિકાલ કરી આ વિસ્તારમાં જનજીવન ધબકતુ કર્યુ હતુ.  નગરપાલીકા કર્મચારીઓ સાથે ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકી  એ પણ  ઉપરોકત  સોસાયટીઓમાં પણ  ઉતરી સફાઇ કામદારો સાથે ખુલ્લી ગટરો સાફ કરી વરસાદી પાણી નો નિકાલ કરાવ્યો હતો. 

શહેર બે ભાગમાં વહેચાયુ  ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો બંધ

કોડિનાર શહેરની મધ્યમાંથી પસાર  થતી નદીમાંથી  સતત ૩ દિવસથી  ઘોડાપુર આવ્યા હોય શહેર બે ભાગમાં વિખૂ ટુ પડ્યુ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથક સાથે જોડતા માર્ગો ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે.  અને પેઢાવાડા નદીમાં ઘોડાપુર આવતા સોમનાથ- ભાવનગર નેશનલ  હાઇવે ઉપર પણ વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.  એનડીઆરએફની ૩૫ જવાનોની ટીમ કોડીનાર વિસ્તારમાં કોઇપણ પરિસ્થિતીને પહોંચી  વળવા ખડેપગે હોવાનુ એનડીઆરએફના આસી. કમાન્ડર રણવીર સિંહે જણાવ્યુ હતુ.

(11:34 am IST)