સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત જારી : વેરાવળમાં છ ઇંચથી વધુ

કલાકોના ગાળામાં જ મેંદરડામાં પાંચ ઇંચ અને કોડિનારમાં ચાર ઇંચ : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હાલત ખુબ કફોડી બની પોરબંદરમાં એક કલાકમાં ૯ ઇંચ ખાબકતા પૂર જેવા દ્રશ્યો : જનજીવન ઠપ

અમદાવાદ, તા.૧૮ : સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. સૌરાષ્ટ્રમાં અનેક ગામો ટાપુમાં ફેરવાઈ ગયેલા છે. દક્ષિણ ગુજરાતમાં પણ આવી જ હાલત બનેલી છે. હજુ સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી છે. સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદનો દોર જારી રહ્યો છે. આજે પણ વેરાવળ, મેંદરડા, કોડિનાર, જામનગર, કેશોદ, ઉના અને કાલાવાડમાં ભારે વરસાદ યથાવતરીતે જારી રહ્યો હતો. તમામ જગ્યાઓએ પાણી ભરાયા હતા. એકબાજુ વેરાવળમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જ્યારે મેંદરડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે કોડિનારમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. જામનગરમાં ૪, કેશોદમાં ૪, ઉનામાં બે, કાલાવાડમાં બે ઇંચ વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ ઉલ્લેખનીય વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૧૭ ઇંચથી વધુ વરસાદ અને જુનાગઢના માણવદરમાં ૧૧ ઇંચથી વધુ વરસાદ થયો છે. ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં આજે પણ મેઘરાજાએ તેમની મહેર તો કયાંક કહેર વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. આજે પણ ગીરસોમનાથ, જૂનાગઢ, ઉના, કોડિનાર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, નવસારી સહિતના પંથકોમાં અતિ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. પોરબંદર પંથકમાં એક જ કલાકમાં નવ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા સાત-આઠ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી અતિવૃષ્ટિને લઇ હવે ભારે તારાજી અને તબાહીની આશંકા સેવાઇ રહી છે. ગીર-સોમનાથ જિલ્લાના ૧૫૦થી વધુ ગામો હજુ પણ સંપર્કવિહોણા બની રહ્યા છે. તો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મેઘતાંડવનો ભોગ બનેલા હજારો લોકો હજુ તંત્ર તરફથી મદદની રાહ જોઇને બેઠા છે પરંતુ હજુ સુધી તંત્રનો એકેય માણસ તેમની પાસે ફરકયો સુધ્ધાં નથી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને બચાવ ટીમો દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને સ્થળાંતર કરાવવાની કામગીરી સતત ચાલુ છે. સોમનાથ-અમદાવાદ હાઇવે પર પૂરના પાણી ફરી વળતાં તંત્ર દ્વારા હાઇવે બંધ કરાવાયો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને લઇ સર્વત્ર જળબંબાકાર અને બેટની પરિસ્થિતિ સર્જાયેલી છે. હજારો લોકોનું સ્થળાંતર કરાવાયું છે તો, સેંકડો લોકોને એનડીઆરએફ સહિતની બચાવ ટીમોએ બચાવ્યા હતા. રાજયના ૧૦૦થી વધુ ગામોમાં હજુ પણ વરસાદી અતિવૃષ્ટિને પગલે વીજળીનો પુરવઠો ખોરવાયેલો છે અને હજુ આ ગામોમાં અંધારપટ છવાયેલો છે. જેમ જેમ પૂરના પાણી કેટલાક વિસ્તારોમાંથી ઓસરી રહ્યા છે તેમ તેમ તારાજી અને તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મેઘતાંડવનો ભોગ બનેલા લોકો તંત્ર પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી અતિવૃષ્ટિને પગલે નદી-નાળા અને ડેમોમાં નવા નીરની આવક થઇ છે અને તેમાંના ઘણા ઓવરફલો થતાં આજે જૂનાગઢના માળિયાના ભાખરવડ ડેમ, રાજકોટનો સોગઠી ડેમ, ગીર-સોમનાથનો હિરણ-૨ ડેમ, અમરેલીના ખાંભાનો રાયડી ડેમ, પોરબંદરનો ઓઝત-૨ ડેમ સહિતના ડેમોના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેને લઇને આસપાસના ગામો અને વિસ્તારોના લોકોને એલર્ટ કરાયા હતા. રાજયમાં ૪૩ થી વધુ ડેમોમાં વરસાદી નીરની નવી આવક થતાં જળસપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ સાથે જ રાજયમાં સીઝનનો કુલ ૪૪ ટકા વરસાદ નોંધાઇ ચૂકયો છે. રાજયમાં આજે ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરત, ભાવનગર, કચ્છ, સૂત્રાપાડા, ડાંગના વઘઇ સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ૧૭ ઇઁચથી વધુ, જૂનાગઢના માણાવદરમાં ૧૧ ઇઁચથી વધુ અને નવસારી જિલ્લાના વાંસદામાં દસ ઇઁચથી વધુ નોંધાયો હતો. વળી,  પોરબંદર પંથકમાં એક જ કલાકમાં નવ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદને લઇ જૂનાગઢ માળિયામાં બરૂલા ગીર ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. તો, અમરેલીમાં ખાંભાનો રાયડી ડેમ ઓવરફલો થયો હતો. ગીર-સોમનાથમાં હિરણ-૨ ડેમ ઓવરફલો થતાં તેના છ દરવાજા તંત્રને ખોલવાની ફરજ પડી હતી, જેને પગલે આસપાસના ૧૨થી વધુ ગામોને એલર્ટ કરાયા હતા. પોરબંદરમાં ઓઝત-૨ ડેમ ઓવરફલો થયો હતો, જયારે ઘેડ પંથકમાં અમીપુર અને મહિયારી ગામોને એલર્ટ કરાયા હતા. માધવપુર ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. ગીર-સોમનાથના ડારીમા પંથકમાં દેવકા નદીના ઘોડાપૂર ફરી વળ્યા હતા. ભાવનગરના મહુવામાં પણ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા, જયાં એક પ્રાથમિક શાળા અને એક મકાન ધરાશયી થયા હતા. સૂત્રાપાડમાં મેઘકહેરને લઇ સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ખાસ કરીને પ્રાચી તીર્થમાં સુપ્રસિધ્ધ માધવરાયજી મંદિર આ મોસમમાં સાતમી વખત પૂરના પાણીમાં ગરકાવ બન્યું હતું, જાણે મેઘરાજા માધવરાયજીના ચરણ પખાળવા આવતા હોય. કચ્છપંથકમાં પણ આજે સારો એવોવરસાદ નોંધાયો હતો. સુરત-ઓલપાડ સહિતના પંથકોમાંપણ મેઘરાજાએ તારાજી સર્જી હતી એટલે સુધી કે, ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, જેને લઇ ખેડૂતો પાક ધોવાઇ જવાની ચિંતામાં મગ્ન બન્યા હતા.

ક્યાં કેટલો વરસાદ.....

        અમદાવાદ, તા. ૧૮ : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જારી રહ્યો છે. આજે કલાકોના ગાળામાં જ ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

વેરાવળ........................................... ૬ ઇંચથી વધુ

મેંદરડા............................................ ૫ ઇંચથી વધુ

કોડીનાર.......................................... ૪ ઇંચથી વધુ

જામનગર................................................... ૪ ઇંચ

કેશોદ......................................................... ૪ ઇંચ

ઉના................................................. ૨ ઇંચથી વધુ

કાલાવાડ       ૨ ઇંચથી વધુ

(8:15 pm IST)