સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

કચ્છના રાપર પાસે એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત: એકનું મોત ૨૫ ને ઈજા :*બસ સાથે મજૂરો ભરેલી બોલેરો જીપ અથડાઈ, જીપ ચાલકનું મોત, જીપમાં સવાર ૨૫ જેટલા મજૂરોને ઈજાઓ

(વિનોદ ગાલા દ્વારા)  ભુજ) કચ્છમાં આજે રાપર પાસે એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો.   ભુજ રાપર રૂટની એસટી બસ રાપર નજીક નિલપર અને બાદરગઢ ગામ વચ્ચે મજૂરો ભરેલી એક બોલેરો જીપ સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં જીપના ચાલકનું ઘટના સ્થળેજ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો જીપમાં સવાર ૩૦ જેટલા મજૂરો પૈકી ૨૫ ને ઈજાઓ પહોંચી હતી. બસમાં માંડ ૮ જેટલા પ્રવાસીઓ હતા. ઇજાગ્રસ્ત મજૂરોને રાપરની સરકારી દવાખાને ૧૦૮ અને સેવાભાવી લોકોના વાહન મારફતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી અમુક વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે. ૧૫ જેટલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાપરથી ભુજ અને ભચાઉ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, કોરોના કાળમાં બોલેરો જીપમાં આટલી મોટી સંખ્યામાં મજૂરોની હેરાફેરી ચર્ચા સર્જી છે. કચ્છમાં જે પ્રવાસી વાહનો ખુલ્લેઆમ કોરોનાના જાહેરનામા ઉપરાંત આરટીઓના કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમની સામે કડકાઇભરી કામગીરી કરવી જોઈએ.

(3:49 pm IST)