સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

કાલે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સુવર્ણચંદ્રક સન્માન સમારોહ

ડો.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી અને ડો. હર્ષવદન મનસુખલાલ જાનીને એવોર્ડ અપાશે : ઓનલાઇન કાર્યક્રમનું આયોજન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ,તા. ૧૯: શ્રી સોમનાથ ટ્રસ્ટના સ્થાપકોએ ટ્રસ્ટની રચના સમયે સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો સંકલ્પ કરેલો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દર વર્ષે જેમણે સંસ્કૃત ભાષા માટે આજીવન સમર્પણ કરીને સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે તેમને શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક એનાયત કરવાની પરંપરા સ્થાપી છે.

આપણો સાંસ્કૃતિક અને આદ્યાત્મિક વારસો સંસ્કૃત ભાષામાં છે તેથી શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં સંસ્કૃતનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની સ્પષ્ટ જોગવાઇ છે. આ હેતુથી વર્ષ ૧૯૯૬ થી પ્રતિવર્ષ 'શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક'' સંસ્કૃતભાષાના જ્ઞાતા વિદ્વાનને સમ્માનિત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક સમર્પણ માટે વિદ્વાનોની પસંદગી માટે બનેલી સમિતિની ભલામણ અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષશ્રીની અનુમતિથી શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક, સન્માન પત્ર, સન્માન શાલ અને રૂ.૧ (એક) લાખના રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવે છે.

'શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક સન્માન સમારોહ' રામમંદિર ઓડિટોરીયમ, સોમનાથ ખાતે તા.૨૦ જૂન,૨૦૨૧ ના રોજ મધ્યાહ્રન ૧૧-૦૦ કલાકે યોજાશે. જેમાં વર્ષ ૨૦૨૦ નો સુવર્ણ ચંદ્રક ડો.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી અને ૨૦૨૧ નો ડો.હર્ષવદન મનસુખલાલ જાની (હર્ષદેવ માધવ) ને અર્પણ કરવામાં આવનાર છે.

ડો.જયપ્રકાશ નારાયણ દ્વિવેદીએ દેશ-વિદેશમાં સંસ્કૃત માટે દ્વારકાધીશ એકેડમી એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારકા દ્વારા સંસ્કૃત ભાષાને એક નવી ઉચાઇ બક્ષી છે. તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસારમાં તેઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. ડો.હર્ષવદન મનસુખલાલ જાની (હર્ષદેવ માધવ) જેઓ સંસ્કૃતના સંશોધક રહ્યા છે. સંસ્કૃતમાં તેઓએ કાવ્યો, નાટ્યસંગ્રહ, કહાની , ઉપન્યાસ , વિવેચન પ્રદાન કરેલું છે.

આ સમારોહ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે ડી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાશે, તેમજ આ કાર્યક્રમમાં ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી મુખ્ય મહેમાન પદે ડો.વિષ્ણુભાઇ પંડ્યા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અને સંસ્કૃત અકાદમી જોડાશે, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી ગોપબંધુ મીશ્રા કુલપતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી, તથા ચેતનભાઇ ત્રિવેદી કુલપતી ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ઉપસ્થીત રહેશે. ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરીની ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા પ્રેરક ઉપસ્થિતી રહેશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ શ્રી સોમનાથ ટ્રસ્ટના ફેસબુક પેઇજ SomnathTempleOfficial પરથી લાઇવ નિહાળી શકાશે.

(10:37 am IST)