સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

ભુજથી પાલીતાણા અને શંખેશ્વર જેવા જૈન તીર્થોની એસટી બસ સેવા તાત્કાલિક ચાલુ કરો : આગામી માસથી શરૂ થતાં ચાતુર્માસ પૂર્વે કચ્છના જૈન સમાજ વતી જૈન સેનાની ઉગ્ર રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) :(ભુજ) રાજ્ય સરકાર દ્વારા પવિત્ર તીર્થ સ્થાનો માટે વિવિધ વિકાસ કાર્યો માટે આયોજન કરી પ્રવાસન વિકસાવવા સુંદર પ્રયાસો કરાઈ રહ્યા છે. પણ,  કચ્છના જૈન સમાજ માટે મોટી વિડંબણા એ છે કે કચ્છને પાલીતાણા અને શંખેશ્વર જેવા પ્રસિદ્ધ જૈન તીર્થ સ્થાનો સાથે સાંકળતી એસટી બસ સેવા બંધ છે. આ અંગે જૈન સેનાએ કચ્છ જિલ્લા એસટી વિભાગીય નિયામક ને આવેદન પત્ર આપીને ભુજથી પાલીતાણા અને શંખેશ્વર માટેની એસટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવા માંગણી કરી છે. કચ્છમાં ૪૦ હજાર જેટલા જૈનોની વસ્તી છે અને આગામી માસથી જૈનોના પવિત્ર ચાતુર્માસ શરૂ થઈ રહ્યા હોઈ તીર્થયાત્રા અને દર્શન માટે જૈન તીર્થ સ્થાનોની એસટી બસ સેવા સમયસર શરૂ કરવા રજૂઆતમાં જણાવાયું છે. જૈન સેના વતી શીતલ સી. શાહ, બિપીન શાહ, રાહુલ મહેતા, અમિષ મહેતા, હર્ષ શાહ, જિગર શાહ, રાજન મહેતા, મિલન મહેતા, બંટી મહેતાએ લેખીત અને મૌખિક રજૂઆત કરી છે. જૈન સમાજની શ્રધ્ધા અને આસ્થાના પ્રતીક સમાન જૈન તીર્થ સ્થાનોને સાંકળતી આ એસટી બસ સેવા જો શરૂ નહી કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી પણ જૈન સેનાએ ઉચ્ચારી છે.

(9:34 am IST)